ફેડએ વર્ષ 2022થી સતત 9મી વખત વ્યાજ દરમાં વધારો કર્યો,
વ્યાજ દરો હવે 4.75 થી 5 ટકાની વચ્ચે પહોંચ્યા

 

વિશ્વભરમાં બેંકો ઉપર આર્થિક સંકટની ઘટનાઓ વચ્ચે યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે ફરી એકવાર વ્યાજ દર વધાર્યા છે.  ફેડએ બુધવારે મોડી રાત્રે 0.25 ટકાના વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.  આ કારણે ફેડરલ રિઝર્વના વ્યાજ દરો હવે 4.75 થી 5 ટકાની વચ્ચે પહોંચી ગયા છે.

બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્રના ઘટાડાને ધ્યાનમાં રાખીને પોવેલે ભવિષ્યમાં પોલિસી રેટમાં વધારા પર બ્રેક લગાવવાનો સંકેત આપ્યો છે. એફઓએમસીએ જણાવ્યું હતું કે યુએસ બેન્કિંગ સિસ્ટમ મજબૂત હોવાની સાથે સાથે ખૂબ જ લવચીક પણ છે. ફેડ એ વર્ષ 2022 થી સતત 9મી વખત વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ સતત બીજી વખત છે જ્યારે ફેડએ માત્ર 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. અગાઉ ફેબ્રુઆરીની ફેડની બેઠકમાં પણ માત્ર 25 બેસિસ પોઈન્ટનો વધારો થયો હતો.

એફઓએમસીએ કહ્યું કે ભવિષ્યમાં વધારાના કોઈ સંકેત નથી હવે તે આવનારા ડેટા પર ઘણી હદ સુધી નિર્ભર રહેશે. બેન્કિંગ કટોકટીની વચ્ચે સેન્ટ્રલ બેન્કના સ્ટેટમેન્ટમાં નરમાશનો ટ્રેન્ડ જોવા મળ્યો છે, જેણે સિસ્ટમની સ્થિરતા પર ચિંતા વ્યક્ત કરી છે. એફઓએમસીએ જણાવ્યું હતું કે યુએસ બેન્કિંગ સિસ્ટમ મજબૂત અને સ્થિતિસ્થાપક છે. તાજેતરની ઘટનાઓને લીધે પરિવારો અને વ્યવસાયો માટે ક્રેડિટ શરતો વધુ કડક થઈ શકે છે. તેમજ આર્થિક પ્રવૃતિ, ભરતી અને મોંઘવારી પર બોજ પડવાની શક્યતા છે. તેમની અસરની હદ અનિશ્ચિત છે. સમિતિ ફુગાવાના જોખમ અંગે વધુ સતર્ક રહે છે.


આરબીઆઈ પણ એપ્રિલમાં વ્યાજદરમાં 0.25%નો વધારો કરે તેવી શક્યતા

વિશ્લેષકોના જણાવ્યા મુજબ ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટે ફેડરલ રિઝર્વ બેંક આ વર્ષે વધુ એક વખત દરમાં વધારો કરશે.  જો કે આવતા વર્ષે દરો વધારવાની ગતિ અટકી શકે છે.  તેમનું એમ પણ માનવું છે કે યુએસ સેન્ટ્રલ બેંકના આ નિર્ણય બાદ આરબીઆઈ એપ્રિલના પહેલા સપ્તાહમાં વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કરી શકે છે.  આ અઠવાડિયે, યુરોપિયન સેન્ટ્રલ બેંક એ અડધા ટકાના દરે વધારો કર્યો છે.  આ સંકેતો સૂચવે છે કે વિશ્વભરની કેન્દ્રીય બેંકો ફુગાવાને કાબૂમાં રાખવા માટે આ વર્ષે આક્રમક રીતે દરોમાં વધારો કરવાનું ચાલુ રાખશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.