આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી: શુક્રવારથી વાતાવરણ ચોખ્ખુ થશે
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં જાણે શિયાળો પૂર્ણ થયા બાદ ચોમાસું જ બેસી ગયુ હોય તેવું લાગી રહ્યુ છે. હજી બે દિવસ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન 14 તાલુકામાં હળવા ઝાપટાથી લઇ સવા ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. રાજકોટમાં પણ મંગળવારે સમી સાંજે વીજળીના કડાકા-ભડાકા વચ્ચે અનેક વિસ્તારોમાં હળવા ઝાપટા પડ્યા હતાં. આગામી શુક્રવારથી વાતાવરણ ક્લિયર થઇ જશે. જો કે એપ્રિલ માસમાં ફરી માવઠાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાય છે.
રાજકોટમાં મંગળવારે સવારથી વાદળર્છાંયુ વાતાવરણ છવાયેલું રહ્યુ હતું. સમી સાંજે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. વિજળીના કડાકા-ભડાકા સાથે અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
ગોંડલ પંથકમાં સતત ત્રીજા દિવસે પણ મેઘસવારી યથાવત રહી છે. આજે બપોરે પલટાયેલા વાતાવરણ વચ્ચે ગોંડલ, કોલીથડ, હડમતાળા, પાટીયાળી, વેજાગામ, પાંચીયાવદર, સેમળામાં ગાજવીજ સાથે અડધો થી લઈ એક ઇંચ વરસાદ વરસ્યો છે.
બગસરા પંથકમાં બપોર બાદ બફારો થતાં વરસાદી માહોલ છવાયો હતો. માવઠું થતા સમગ્ર બગસરા તાલુકામાં પાણી ફરી વળ્યા હતા. ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો હતો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. બગસરા પંથકમાં મેઇન બજાર, વિજય ચોક, ગોંડલીયા ચોક, સ્ટેશન રોડ, ખાડીયા વિસ્તાર, શાકમાર્કેટ સહિત વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.
આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 14 તાલૂકામાં વરસાદ પડ્યો હતો. બોટાદમાં સૌથી વધુ સવા ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે બગસરામાં 12 મીમી, ગોંડલમાં 7 મીમી, રાજકોટ, લાલપુર, બેચરાજી, ખાંભા, ભાવનગર, અમરેલી, લીલીયા, ધારી, મોરબી, ગણદેવી અને લીંબડી પંથકમાં હળવા ઝાપટા વરસ્યા હતા અનેક વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.
આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. શુક્રવારથી વાતાવરણ ક્લિયર થઇ જશે અને ગરમીનું જોર વધશે.