સોરઠીયા વાડીમાં તેર વર્ષના તરુણને તાવ ભરખી ગયો: આરોગ્ય વિભાગમાં દોડધામ
ત્રણ દિવસથી બાળકને તાવ આવતો’તો: બેભાન થયા બાદ સગીરનું મોત નિપજ્યું
દેશભરમાં એચ-3એન-2 વધતા જતા કેસ વચ્ચે ગુજરાતમાં વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. ત્યાર બાદ રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દ્વારા તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તેના વચ્ચે રાજકોટમાં સોરઠીયા વાડી સર્કલ પાસે રહેતા 13 વર્ષીય તરુણને તાવ ભરખી જતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સોરઠીયા વાડી સર્કલ પાસે બાલાજી પેટ્રોલ પંપ પાસે રહેતા ભાવેશ દીપકભાઈ ફેસરીયા નામના 13 વર્ષના તરુણની તબિયત ઠીક ન હોવાથી તેને બેભાન હાલતમાં સવારે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તરુણને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આ અંગે ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક ભાવેશના પિતા દીપકભાઈએ જણાવ્યું હતું કે તેના પુત્રને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવતો હતો અને દેવપરા વિસ્તારમાંથી તેની દવા પણ ચાલુ હતી. પરંતુ આજરોજ સવારે 9:30 વાગ્યાની આસપાસ બાળક એકાએક ઢળી પડતાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
રાજ્યભરમાં એચ-3એન-2 વાયરસનાં ફેલાવા વચ્ચે રાજકોટમાં તરૂણનું તાવથી મોત નીપજતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા હજુ હાલમાં કોઇ પણ જાતનું આગમચેતી પગલું લેવામાં આવ્યું નથી. તેની સામે લોકોમાં સતત વાયરસનાં ફેલાવવાનો ડર દેખાઈ રહ્યો છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલમાં એચ-3એન-2નું એકપણ સેમ્પલ લેવાયું નથી
સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે કેન્દ્રસ્થાન પર રહેલી પિડિયુ સિવિલ હોસ્પિટલમાં દરેક વાયરાની દહેસતને લઈને આગમચેતી તૈયારીઓ કરવામાં આવતી હોય છે. જેના કારણે રાજ્યભરમાં વધતા જતા એચ-3એન-2 વાયરસનાં પગલે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં કોરોના માફક ગાઇડલાઈન પણ આવશે તેવી ભિતી સર્જાઈ રહી છે.
પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવારમાં જ એચ-3એન-2 ફ્લૂની સારવાર આપવામાં આવશે તેવું સિવિલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો બીજી તરફ રાજકોટના બાળકને ત્રણ દિવસ તાવ આવ્યા બાદ મોત થવા છતાં પણ હજુ સુધી કોઈ પણ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા નથી કે ન તો પરિશ્રણ માટે મોકલવામાં આવ્યા છે.