શહેરના અંબિકા ટાઉનશીપ, મવડી ચોકડી, જાગનાથ પ્લોટ, રાજનગર, મારૂતિનગર, નહેરૂનગર અને સંતકબીર રોડ પર નવા કેસ નોંધાયા
રાજકોટમાં ગઇકાલે એક જ દિવસમાં કોરોનાના કેસમાં બમણો ઉછાળો નોંધાતા કોર્પોરેશનનું તંત્ર ફફડી ઉઠ્યો છે. મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ આજે આરોગ્ય શાખાના અધિકારીઓને રોજ 500 ટેસ્ટ કરવા માટે આદેશ આપી દીધો છે. બીજી તરફ એચથ્રીએનટુ વાયરસ સામે પણ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે અને અલગ-અલગ કેટેગરીમાં રોગચાળાને મૂકી ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે.
ગઇકાલે શહેરના વોર્ડ નં.11માં અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં સત્યજીત સોપાન હાઇટ્સમાં 25 વર્ષીય યુવતી, મવડી ચોકડી વિસ્તારમાં શ્રીનાથજી સોસાયટીમાં 27 વર્ષીય યુવક, જાગનાથ પ્લોટમાં હોટેલ ઇમ્પીરીયલ પેલેસમાં ઉતરેલા બે આધેડ, વોર્ડ નં.8માં નાનામવા રોડ પર રાજનગરમાં 25 વર્ષીય યુવાન, વોર્ડ નં.3માં રેસકોર્ષ પાર્ક પાસે મારૂતિનગર વિસ્તારમાં એક આધેડ, વોર્ડ નં.8માં નાનામવા રોડ પર સિધ્ધી વિનાયક સોસાયટીમાં 34 વર્ષીય યુવક અને વોર્ડ નં.6માં સંતકબીર રોડ પર સદ્ગુરૂ નગરમાં 47 વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થઇ હતી.
શહેરમાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે કોર્પોરેશન દ્વારા છેલ્લા ચાર દિવસથી ટેસ્ટીંગનું પ્રમાણ પણ વધારી દેવામાં આવ્યું છે. દરમિયાન હાલ રોજ 250થી 300 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જે વધારી દૈનિક 400 થી 500 સુધી લઇ જવા માટે આરોગ્ય શાખાના અધિકારીઓને મ્યુનિ.કમિશનર દ્વારા સૂચના આપી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.