ગુજરાતમાં માનવ અધિકારોનું મોટાપાયે ઉલ્લંધન થતું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
કસ્ટોડીયલ ડેથમાં સમગ્ર ભારતમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. છેલ્લા પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીઓના મોત થયા છે. કસ્ટોડીયલ ડેથના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે.
ગુજરાતમાં માનવ અધિકારોનું મોટાપાયે ઉલ્લંઘન અને સત્તાના દુરઉપયોગમાં રાચતી ભાજપ સરકારના શાસનમાં સતત વધી રહેલા કસ્ટોડીયલ ડેથ અંગે ગૃહ વિભાગ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે ગાંધી- સરદારના ગુજરાતમાં સતત વધી રહેલા કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓ એ ગુજરાત માટે ચિંતાનો વિષય છે.
સભ્ય સમાજ- (સિવિલ સોસાયટી) એ કાયદાના શાસન (RULE OF LAW)થી ચાલે છે. પરતું ભાજપ સરકારમાં થતા કસ્ટોડીયલ ડેથ એ AN ABUSE OF POWERની ચાડી ખાય છે. છેલ્લાં પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીનાં કસ્ટોડીયલ ડેથ સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે. પોલીસ ટોર્ચર, સમયસર મેડીકલ ટ્રીટમેન્ટ ન મળે સહિતના કારણોને કારણે આરોપીઓનાં મોત થયા છે. ગુજરાતમાં સતત માનવ અધિકારોનું મોટાપાયે ઉલ્લંઘન થઇ રહ્યું છે જે ચિંતાનો વિષય છે. વર્ષ 2022માં જ ગુજરાતમાં સૌથી વધુ 24 મોત પોલીસ કસ્ટડીમાં થયા છે.
નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (એનએચઆરસી)ના રિપોર્ટમાં કસ્ટોડીયલ ડેથના આંકડાઓએ ભાજપ સરકારના ગૃહ વિભાગેની સબ સલામતની પોલ ખોલી નાખી છે. ગુજરાતમાં વર્ષ 2017-18માં 14, વર્ષ 2018-19માં 13, વર્ષ 2019-20માં 12 અને વર્ષ 2021-22માં 24 કસ્ટોડીયલ ડેથની ઘટના બની છે, કોરોનાકાળના વર્ષ 2019-20માં કસ્ટોડીયલ ડેથની ઘટનાઓની તુલનામાં વર્ષ 2021-22માં 24 ઘટનો સાથે કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓમાં બમણો વધારો થયો છે.