સાવન સ્ટેટ્સ, જીવરાજ પાર્ક, રેલનગર અને ભક્તિનગર સર્કલ વિસ્તારમાંથી કોરોનાના કેસ મળી આવ્યા
સમગ્ર રાજ્ય સાથે રાજકોટમાં પણ કોરોનાનું દિનપ્રતિદિન વધી રહ્યો છે. મંગળવારે શહેરમાં એકસાથે કોરોનાના ચાર કેસ મળી આવતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. કોવિડ સંક્રમિત બે વૃદ્વોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ શહેરમાં કુલ 12 એક્ટિવ કેસ છે. જે પૈકી 10 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે અને તમામની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણીએ જણાવ્યું હતું કે મંગળવારે શહેરમાં કોરોનાના નવા ચાર કેસ મળી આવ્યા હતાં. કરણ-અર્જુન પાર્ટી પ્લોટ પાસે સાવન સ્ટેટ્સમાં રહેતા 79 વર્ષના વૃદ્વ કોરોના સંક્રમિત થયા છે. તેઓએ વેક્સિનના બંને ડોઝ લઇ લીધા છે.
સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓની સ્થિતિ સ્ટેબલ છે. આ ઉપરાંત શહેરના નાનામવા રોડ પર જીવરાજપાર્ક 51 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેઓએ ત્રણેય ડોઝ લઇ લીધા છે. હાલ હોમ આઇસોલેશન હેઠળ છે. જ્યારે રેલનગર મેઇન રોડ પર 49 વર્ષના મહિલા કોરોનામાં સપડાયા છે. તેઓએ વેક્સિનનો એકપણ ડોઝ લીધો નથી. દરમિયાન ભક્તિનગર સર્કલ વિસ્તારમાં 75 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેઓએ પણ વેક્સીનના ત્રણેય ડોઝ લઇ લીધા હતાં. હાલ તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
શહેરમાં હાલ કોરોનાના 12 એક્ટિવ કેસ છે. જે પૈકી 10 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે અને બે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.
તેઓની હાલત પણ સ્થિર છે. સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો હોય શહેરીજનોમાં ડર લખલખું પ્રસરી જવા પામ્યું છે.