ટાર્ગેટ પૂરો કરવાનો શોર્ટકટ?: વધુ ડોક્યુમેન્ટ મંગાતા અરજદારોને ધક્કા
ઇ-શ્રમ કાર્ડ શું છે ? તેના ફાયદા શું છે? તે જણાવીને સ્વેચ્છાએ કાર્ડ કઢાવવાની અપીલને બદલે પરિપત્ર વગર ફરજિયાત કાર્ડનો કાયદો ઘડી નખાયો
સરકાર વધુમાં વધુ લોકો ઇ શ્રમ કાર્ડ કઢાવે તે માટે પ્રયાસો કરી રહી છે. જે ખરેખર સરાહનીય છે પણ રાજકોટમાં તો ચિત્ર કંઈક વિચિત્ર જ છે. અહીં દક્ષિણ મામલતદાર કચેરીમાં ઇ શ્રમ કાર્ડ વગર રાશન કાર્ડની કામગીરી નહીં થાય તેવો ફતવો જાહેર કરી દેવામાં આવ્યો છે એટલે જે અરજદારો તાત્કાલિક રાશન કાર્ડની કામગીરી કરાવવા ઈચ્છે છે તેઓને ઇ શ્રમ કાર્ડના કાગળો માંગીને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે.
સરકાર દ્વારા ઇ શ્રમ કાર્ડની જાગૃતિ ફેલાવી વધુમાં વધુ લોકો શ્રમ કાર્ડ કઢાવે તે દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. બીજી તરફ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લો અત્યારે ઇ શ્રમ કાર્ડની કામગીરીમાં અવ્વલ છે. પણ આ કામગીરી ઉપર જાણે તંત્રના અમુક વાહકો પાણી ઢોળ કરી રહ્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.
રાજકોટ શહેરની દક્ષિણ મામલતદાર કચેરીમાં રાશન કાર્ડની કામગીરી માટે ઇ શ્રમ કાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ ફતવાથી અરજદારો પરેશાન થઈ રહ્યા છે. ખરેખર દક્ષિણ મામલતદાર તંત્રએ ઇ શ્રમ કાર્ડ શુ છે ? તેનો ફાયદો શુ છે ? તે લોકોને સમજાવીને પછી તેઓને સ્વેચ્છાએ ઇ શ્રમ કાર્ડ કઢાવવા માટે અપીલ કરવી જોઈએ. પણ અહીં તો ઇ શ્રમ કાર્ડના ટાર્ગેટ પુરા કરવા જાણે શોર્ટ કટ લગાવવામાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
વધુમાં અહીંના ઝોનલ ઓફિસર માનસેતા અરજદારને એવું પણ કહી રહ્યા છે કે રાશન કાર્ડની કામગીરી માટે ઇ શ્રમ કાર્ડ ફરજિયાત કઢાવવાનો ઉપરથી આદેશ છે. જો કે આ અંગે મામલતદારને પૂછવામાં આવતા તેઓએ હાથ ઊંચા કરી દીધા હતા.
ઇ-શ્રમ કાર્ડ તો લોકોના ફાયદા માટે છે અને સ્વેચ્છાએ કઢાવવાનું હોય, અમે એવી કોઈ સૂચના નથી આપી: પુરવઠા અધિકારી
આ અંગે પુરવઠા અધિકારી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે ઇ શ્રમ કાર્ડના અનેક ફાયદા છે. વધુમાં વધુ લોકો ઇ શ્રમ કાર્ડ કાઢે તે માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. પણ આ કાર્ડ સ્વેચ્છાએ કઢાવવાનું હોય છે.એ ફરજિયાત નથી. પુરવઠા વિભાગ તરફથી ફરજીયાત ઇ શ્રમ કાર્ડ કઢાવ્યા બાદ જ રાશન કાર્ડની કામગીરી કરવી એવી કોઈ સૂચના આપવામાં આવી નથી.
વધારાના કાગળો માંગી અરજદારોને કચેરીમાંથી કાઢી મુકાતા લોકો વચેટિયાઓને 500થી 700 દેવા મજબુર!
રાશન કાર્ડની કામગીરી માટે આવતા અરજદારો પાસેથી અહી ઇ શ્રમ કાર્ડ માટેના ડોક્યુમેન્ટ પણ માંગવામાં આવે છે. જો કે ઘણા અરજદારો ધક્કો ન થાય એટલે બહાર ટેબલ ખડકીને બેસતા વચેટિયાઓના શરણે જાય છે. આ વચેટિયાઓ એક રાશન કાર્ડનું ફોર્મ ભરી દઇ અને કામગીરી કરાવવાના રૂ. 500થી 700 વસુલે છે. અનેક અરજદારો આ વચેટિયાઓ પાસે ખોટો ખર્ચ કરીને રાશન કાર્ડની કામગીરી કરાવવા મજબુર બની રહ્યા છે. જો કે મહત્વની બાબત એ છે કે સામાન્ય અરજદારોને ના પાડ્યા બાદ ઝોનલ ઓફિસ દ્વારા વચેટિયાઓની ભલામણથી તુરંત રાશન કાર્ડની કામગીરી કરી દેવામાં આવે છે.