મારૂતિ ટ્રાવેલ્સને રૂ.4.15 લાખ અને અલ્ટ્રા મોડર્ન એજન્સીને રૂ.1.08 લાખનો દંડ: 11 કંડક્ટર સસ્પેન્ડ, 21 ખૂદાબક્ષો પકડાયા
સિટી બસ સેવામાં બસ ઓપરેટર એજન્સીને દર સપ્તાહે કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. પરંતુ કામગીરી રતિભારનો પણ સુધારો આવતો નથી. ગત સપ્તાહે મારૂતિ ટ્રાવેલ્સને રૂ.4.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે ફેર કલેક્શન કરતી એજન્સીને રૂ.1.08 લાખનો દંડ કરવામાં આવ્યો છે.
મહાપાલિકાની આંતરિક પરિવહન સેવાનું સંચાલન કરતી રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા આજે સાપ્તાહિક કામગીરીની વિગત જાહેર કરવામાં આવી છે. જેમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન સિટી બસ 1,20,736 કિલોમીટર ચાલી છે. 1,71,110 મુસાફરોએ તેનો લાભ લીધો હતો. કામમાં ક્ષતિ બદલ સિટી બસ સેવાની ઓપરેટર એજન્સી મારૂતિ ટ્રાવેલ્સને 11,885 કિલોમીટરની પેનલ્ટી મુજબ રૂ.4,15,975નો દંડ ફટકારવામાં આવ્યો છે.
જ્યારે ફેર કલેક્શન કરતી એજન્સીને રૂ.108100નો દંડ ફટકારવામાં આવ્યો છે. સિટી બસમાં ગેરરિતી સબબ 9 કંડક્ટરોને ટેમ્પરરી જ્યારે બે કંડક્ટરોને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચેકીંગ દરમિયાન 21 મુસાફરો ટિકિટ વિના પકડાતા તેઓની પાસેથી રૂ.2310નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. બીઆરટીએસ સેવામાં એક્સ આર્મી અને સિક્યુરિટી પૂરા પાડતી રાજ સિક્યુરિટી સર્વિસને રૂ.2900નો દંડ કરવામાં આવ્યો છે.
દર સપ્તાહે સિટી બસની ઓપરેટર એજન્સીને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. દર સપ્તાહે દંડની રકમ સતત વધતી જાય છે છતાં કામગીરીમાં કોઇપણ પ્રકારનો સુધારો આવતો નથી. બીજી તરફ કોર્પોરેશનનું તંત્ર પણ આકરી કાર્યવાહી કરવાને બદલે માત્ર દંડ ફટકારીને સંતોષ માની લે છે.