સુરત, નવસારી, નર્મદા અને છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ: ભાવનગર પંથકમાં અનેક સ્થળોએ કરા સાથે વરસાદ: માવઠા વચ્ચે 7 શહેરોમાં તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર
રાજ્યમાં ચાર દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. ભાવનગર જિલ્લામાં મહુવા પંથકમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. આજે દક્ષિણ ગુજરાતમાં અને આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માવઠાની આગાહી આપવામાં આવી છે. આજે સવારથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. વાદળર્છાંયુ વાતાવરણ છવાયુ છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યના સાત શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર થઇ ગયો છે.
વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ અને સાયક્લોનિક સરક્યુલેશન સર્જાવાના કારણે રાજ્યમાં 10 દિવસમાં બીજી વખત વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, નર્મદા અને છોટા ઉદેપુર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા, ખુંટવડા સહિતના ગામોમાં બરફના કરા સાથે વરસાદ વરસ્યો હતો. 10 દિવસમાં બીજી વખત કમોસમી વરસાદ પડવાના કારણે પાકનો સોંથ વળી ગયો છે. જગતાતને પારવાર નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
માવઠાથી થયેલી નુકશાનીનો સર્વે કરવા રાજ્ય સરકાર દ્વારા સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સર્વની કામગીરી હજી પૂર્ણ નથી થઇ ત્યાં બીજી વખત માવઠું ત્રાટક્યું છે.આજે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે.
આજે સવારથી રાજકોટમાં પણ વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. વાદળર્છાંયુ વાતાવરણ છે. દરમિયાન આવતીકાલે બૂધવારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છ જિલ્લામાં જ્યારે ગુરૂવારે દમણ દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર જિલ્લામાં વરસાદ વરસી શકે છે. 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય શકે છે.
માવઠાની આગાહી વચ્ચે રાજ્યના સાત શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. સુરતનું તાપમાન 38.4 ડિગ્રી, ભુજનું તાપમાન 38.3 ડિગ્રી, નલીયાનું તાપમાન 38 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 38.4 ડિગ્રી, રાજકોટનું તાપમાન 38 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 38.4 ડિગ્રી, કેશોદનું તાપમાન 38.2 ડિગ્રી, વડોદરાનું તાપમાન 37.6 ડિગ્રી, વલસાડનું તાપમાન 37 ડિગ્રી અને કંડલા એરપોર્ટનું તાપમાન 37.6 ડિગ્રી નોંધાયું છે.આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાદળર્છાંયુ વાતાવરણ છવાયુ છે.