રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડનું વિધાનસભામાં પાણીદાર વક્તવ્ય
ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં આજે 68-રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડે પાણી અંગે પાણીદાર વક્તવ્ય આપ્યું હતું અને કેન્દ્ર તથા રાજ્ય સરકારએ લોકોને પીવાનું શુદ્વ પાણી મળી રહે તે માટે કરેલા કામની સરાહના કરી હતી અને અભિનંદન પાઠવ્યા હતાં.
તેઓએ જણાવ્યું હતું કે મનુષ્યના શરીરની અંદર 70 ટકા પાણીનો ભાગ હોય છે. એટલે આપણે કહીએ છીએ કે જળ એ જ જીવન છે. સૂત્રમાં પણ કહીએ છીએ કે ‘પાણીને ફૂટી છે વાણી, વાપરો મને અમૃત જાણી.’ ખાસ કરીને આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી આવી ત્યારથી પાણી માટે જે કામો કરેલ છે એ ન ભૂતો ન ભવિષ્યતિ. હું એટલા માટે કહું છું કે, એક ખૂબ જ કરૂણ કહેવાય એવી એક કહેવત હતી. આમ, જોવા જઇએ તો આપણા ગુજરાતની જનતાની ભૂતકાળમાં એક કહેવત હતી એ કહેવત આજે રહી નથી. માત્ર પાણીના હિસાબે કહેવત હતી કે ‘દીકરીને બંદૂકે દેવાય પણ ધંધૂકે ન દેવાય.’ ભૂતકાળમાં ત્યાં પાણી મળતું ન હતું એટલા માટે આ કહેવત હતી.
આ તો ધંધૂકાનું નામ હતું. બાકી ધંધૂકા, બરવાળા, વલભીપુર, ઢસા, અમરેલી, સાવરકુંડલા, તળાજા, મહુવા, પાલીતાણા, ભાવનગર, શિહોર, સોનગઢ, ગારીયાધાર, રાજકોટ, કાલાવાડ, આટકોટ, જસદણ, ગોંડલ, વિરપુર, જેતપુર, ધોરાજી, જુનાગઢ, ઉપલેટા જાઓ, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, ડીસા, નડાબેટ, કચ્છમાં નખત્રાણા, અબડાસા, ભુજ, માંડવી હોય, આ પ્રજાએ પાણીની પીડા શું છે એ જોઇ છે. હું રાજકોટમાંથી આવું છું. એક જમાનામાં ટ્રેનમાં પાણી આવતું એ ગામથી આવું છું. મને પણ કોર્પોરેશનનો 20 વર્ષનો અનુભવ છે.
અમે ભૂતકાળમાં પાણીની સમસ્યા જોઇ છે. કારણ કે મેં મેયર, ડેપ્યુટી મેયર તરીકે અને બે વખત સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે લોકો એક-બે બેડા પાણી માટે તડપતા જોયા છે. શેરીની અંદર ખાડો ખોદે અને નાની નાની બહેનો પોતે ડબલું હાથમાં લઇ અને પાણી ઉલેચતી ભૂતકાળમાં મેં જોઇ છે. ગુજરાતની પ્રજાએ આ પીડા શા માટે સહન કરવી પડી? કહેવાય છે કે કૂવામાં હોય તો હવેડામાં આવે. મા નર્મદા અને સરદાર સરોવર યોજના છે એની હાઇટ વધારવાની મંજૂરી મળતી ન હતી. તત્કાલીન મુખ્યમંત્રી અને આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ઉપવાસ કરવા પડ્યા ત્યારે હાઇટ વધારવાની મંજૂરી મળી. ત્યાર પછી દરવાજા ચડાવવાની મંજૂરી નહોતી મળતી. જો દરવાજા ચડાવે તો આખા સૌરાષ્ટ્ર અને કચ્છને પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પૂરું પાડી શકાય, 115 ડેમ સૌની યોજનાના ભર્યા છે એ ડેમ ભરવા મળે. પ્રધાનમંત્રીના વકતવ્યમાં મેં સાંભળેલું છે કે, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તત્કાલીન પ્રધાનમંત્રીને મળવા જતાં અને કહેતા કે અમને દરવાજાની મંજૂરી આપો. ‘અભી તક નહીં હૂઆ હૈ?’
10 વર્ષ સુધી આવો જવાબ દિલ્હીથી આવતો હતો. આપણે ગુજરાતની જનતા અને દેશની જનતાને વંદન કરીએ. ગુજરાતની જનતાએ તો મોદીને અપાર સમર્થન આપ્યું. પણ જ્યારે આખા દેશની જનતાએ ગુજરાતના વિકાસ માટે સમર્થન આપ્યું અને આ દેશના પ્રધાનમંત્રી થયા પછી 17મા દિવસે આ નર્મદા ડેમના દરવાજાને મંજૂરી મળી. સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય, આખા ગુજરાતમાં પાઇપલાઇનનું જે નેટવર્ક છે એ આપણે પૂરું પાડી શક્યા છીએ.
હું તો એમ કહું કે રાજા ભગીરથે ગંગાજીનું અવતરણ કરાવ્યું હતું તો આજે ઘેર ઘેર નલ સે જલ દ્વારા નર્મદા આવી છે એનું અવતરણ જો કોઇએ કરાવ્યું હોય તો નરેન્દ્ર મોદીએ કરાવ્યું. ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને મંત્રીને અભિનંદન આપું છું કે, જળ જીવન મિશન અંતર્ગત નલ સે જલ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા દેશના તમામ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને 2024 સુધીમાં ઘર ઘર સુધી પાણી ઉપલબ્ધ થવાનું છે. ખાસ કરીને પાઇપલાઇન યોજના દ્વારા હોય, જૂથ યોજના દ્વારા હોય, જૂથ યોજનાના સુધારણાના કામો હોય, ફળિયાઓને જૂથ યોજના હેઠળ આવરી લેવાના હોય કે ગામમાં નળના જોડાણની યોજના હોય. ખાસ કરીને આપણે ફોરેનમાં ગલ્ફના દેશો દુબઇ કે ઇઝરાયેલમાં જોતા અને નવાઇ લાગતી કે આ લોકો દરિયાનું ખારું પાણી મીઠું કરે છે. ત્યાં આવું બધું થાય છે.