સામસામે પથ્થરમારો કરતા મહિલા અને બાળકોને ઇજા: સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
શહેરના ભગવતીપરા વિસ્તારમાં સામાન રાખવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. જેમાં બંને પક્ષે માતા પુત્રી સહિત પાંચ વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભગવતીપરા વિસ્તારમાં રહેતી શીતલબેન ભુપતભાઈ સોલંકી નામની 16 વર્ષની સગીરાને સામાન રાખવા મુદ્દે પાડોશી સાથે ઝઘડો થતાં પાડોશી શખ્સોએ શીતલબેન સોલંકીને માર માર્યો હતો જેથી માતા ટમુબેન ભુપતભાઈ સોલંકી (ઉ.વ.40) અને ભાઈ રોહિત ભુપતભાઈ સોલંકી (ઉ.વ.15) શીતલબેનને છોડાવવા વચ્ચે પડતા માતા પુત્ર ઉપર પણ હુમલો કર્યો હતો.
તો સામાપક્ષે વળતા પ્રહારમાં જ્યોતિબેન ચકાભાઇ બરહાટીયા (ઉ.વ.30) અને ભરતભાઈ રાજુભાઈ બરહાટીયા (ઉ.વ.50) ઉપર ભુપતભાઈ સહિતના અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરી માર માર્યો હતો.
મારામારીમાં બંને પક્ષે ઘવાયેલી માતા પુત્રી સહિત પાંચેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં શહેરની ભાગોળ આવેલા લોઠડા ગામે રહેતા અમુબેન બાબુભાઈ મકવાણા નામની 40 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે કિશન સંજયભાઈ દાફડા નામના શખ્સે નજીવા પ્રશ્ને ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.