ચાર તસ્કરો મોડી રાત્રીના દુકાનનું શટર તોડી રૂ.3.50 લાખનું ચાંદી ઉઠાવી ગયા: સીસીટીવી ફૂટેજ આધારે પોલીસ તપાસ
શહેરમાં તસ્કરો જાણે બેફામ થઈ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય ત્યારે દિવસેને દિવસે ચોરીના બનાવો વધવા પામ્યા છે.ત્યારે વધુ એક ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાય છે જેમાં તસ્કરો પોલીસ ચોકી પાસે આવેલ જ્વેલર્સ ની દુકાનનું શટર તોડી તેમાં રાખેલ આશરે 11 કિલો ચાંદી જેની કિંમત રૂ.3.50 લાખ ઉઠાવી જતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જાય સીસીટીવી ફૂટેજ આધારે અજાણ્યા તસ્કરો વિરોધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
માહિતી અનુસાર ગાયત્રી નગર શેરી નંબર એકમાં રહેતા ચંદ્રેશભાઇ કાંતિલાલ માંડલિયાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ હુડકો પોલીસ ચોકીની પાછળ આવેલ મારુતિ મેઇન રોડ પર ધનલક્ષ્મી જ્વેલર્સ નામે દુકાન ધરાવે છે. ગઈકાલ રવિવાર હોવાથી તેમને પોતાની દુકાન બોપર સુધી ખુલ્લી રાખી બંધ કરી દીધી હતી. બાદ આજે સવારે ચાર વાગ્યાની આસપાસ તેના પાડોશમાં દુકાન ધરાવતા ગીરીશભાઈ નો તેના પર ફોન આવ્યો હતો અને તેમને ચંદ્રેશભાઇની દુકાનનું શટર તૂટ્યા હોવાનું જણાવ્યું હતું.
જેથી ચંદ્રેશભાઇ તુરંત જ પોતાની દુકાને દોડી ગયા હતા અને દુકાનમાં તપાસ કરતા દુકાનની અંદરનો સામાન વેર વિખેર જોવા મળ્યો હતો. જેથી તેમને પોલીસને જાણ કરી હતી પોલીસને બનાવની જાણ થતા જ તેઓ ઘટના સ્થળે દોડી જાય દુકાનમાં તપાસતા દુકાન ની અંદર રાખવામાં આવેલ ચાંદીની બંગડીઓ, ચાંદીની પાયલ, ચાંદીની ભગવાનની મૂર્તિઓ તેમજ લકી,માળા મળી કુલ 11 કિલો ચાંદી જેની કિંમત રૂ.3.50 લાખની ચોરી થયા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આસપાસના સીસીટીવી તપાસતા તેમાં ચાર અજાણ્યા શખ્સો શટલ તોડતા હોવાનું જણાવતા પોલીસે તેમની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હુડકો પોલીસ ચોકીની નજીકમાં જ ચોરીનો બનાવ બનતા તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.