એજન્સીઓના કથિત દુરૂપયોગ અને અદાણી વિવાદ સહિત અન્ય કેટલાક મુદ્દાઓ પર વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ
સંસદમાં બજેટના બીજા સત્રનો આજથી પ્રારંભ થયો છે. જે આગામી 6 એપ્રિલ સુધી ચાલશે અને આ સમયગાળા દરમિયાન 17 બેઠકો થશે. બીજી તરફ વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખરે કાર્યવાહીને સુચારૂ રીતે ચલાવવા માટે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. તે જ સમયે, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આજે વિરોધ પક્ષોની બેઠક બોલાવી છે.
આ સત્રમાં સરકારની પ્રાથમિકતા ફાઇનાન્સ બિલ પાસ કરાવવાની રહેશે. વિપક્ષ ભાજપના રાજકીય વિરોધીઓ સામે કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહીનો મુદ્દો ઉઠાવીને સરકારને ઘેરવાની યોજના બનાવી રહ્યું છે. આ સિવાય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની વિદેશની ધરતી પર દેશ અને સરકારની ટીકા પણ ગૃહની કાર્યવાહીમાં અવરોધ બની શકે છે.
ઉલ્લેખનીય છે કે સત્રના પ્રથમ તબક્કામાં અદાણી એપિસોડ પર સરકાર અને વિપક્ષ વચ્ચે જોરદાર દલીલબાજી થઈ હતી. બીજા તબક્કાની શરૂઆત એવા સમયે થઈ રહી છે જ્યારે સરકાર અને વિપક્ષ વચ્ચે ઘણા મુદ્દાઓ પર તલવારો ચાલી રહી છે.આપ નેતા મનીષ સિસોદિયાને એક્સાઈઝ કૌભાંડમાં જેલમાં મોકલવામાં આવ્યા, બીઆરએસ નેતા કવિતાની ઇડી દ્વારા પૂછપરછ, લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના સભ્યો સામે જમીન-નોકરી કૌભાંડ કેસમાં કાર્યવાહી વગેરે મુદ્દે વિપક્ષના આકરા પ્રહારો થશે.
આ સિવાય વિપક્ષ સંસદીય સમિતિઓમાં ઉપરાષ્ટ્રપતિ દ્વારા વ્યક્તિગત સ્ટાફની નિમણૂકનો મુદ્દો પણ ઉઠાવી રહ્યો છે.વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખરે કાર્યવાહીને સુચારૂ રીતે ચલાવવા માટે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે સરકારને ઘેરવાની રણનીતિ ઘડવા માટે વિપક્ષી દળોની બેઠક બોલાવી છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વરિષ્ઠ મંત્રીઓ સાથે સત્રની રણનીતિ અંગે ચર્ચા કરવાના છે.
રાહુલ બાબાના બફાટને લઈ ભાજપ તૂટી પડ્યું!
રાહુલ ગાંધી વિદેશની ધરતી પરથી ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરી રહ્યા છે. તેઓએ એવું પણ કહ્યું હતું કે ભારતમાં તેઓને બોલવા દેવામાં આવતા નથી. માટે જ વિદેશમાંથી બોલવું પડે છે. જો કે રાહુલબાબાના આ નિવેદનોને લઈ ભાજપ લાલઘૂમ છે. ભાજપ આજે સંસદમાં આ મુદ્દે તૂટી પડ્યું હતું. શરૂઆતમાં જ પિયુષ ગોયેલે રાહુલ ઉપર આકરા તેરવ દેખાડ્યા હતા.
ખડગેના કાર્યાલયમાં વિરોધ પક્ષોની બેઠક મળી, સરકારને ઘેરવાનો તખ્તો બનાવાયો
સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની રણનીતિ ઘડવા આજર સવારે વિરોધ પક્ષોની બેઠક મળી છે. સત્રના બીજા તબક્કામાં વિપક્ષ કેન્દ્રીય એજન્સીઓના કથિત દુરુપયોગ અને અદાણી વિવાદ સહિત અન્ય કેટલાક મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે વિપક્ષી દળો સવારે 10 વાગ્યે સંસદ ભવન સંકુલમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના કાર્યાલયમાં મળ્યા હતા. આ પછી, સાંસદો કોંગ્રેસ સંસદીય દળના કાર્યાલયમાં એક બેઠકમાં ભાગ લેશે જ્યાં પક્ષની વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.
સંસદના બંને ગૃહોમાં 35 બિલ પેન્ડિંગ
રેકોર્ડ મુજબ, રાજ્યસભામાં 26 અને લોકસભામાં 9 બિલ પેન્ડિંગ છે, જેને સરકાર પાસ કરાવવા માંગે છે. આ સિવાય સરકારે ગત શિયાળુ સત્ર દરમિયાન મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી (સુધારા) બિલ-2022 અને જન વિશ્વાસ (સુધારા) બિલ-2022 સંયુક્ત સમિતિને મોકલ્યા હતા. સમિતિ આ બિલોની તપાસ કરી રહી છે. સીપી જોશીની આગેવાની હેઠળની સમિતિ આ સત્રમાં જ મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ બિલ પર રિપોર્ટ રજૂ કરશે. સરકારે એજન્ડામાં જૈવવિવિધતા સુધારા બિલ-2021ની નોંધણી પણ કરી છે.