છેલ્લા 10 વર્ષ કરતા આ વર્ષે મહિલાઓ પર થતા ગુનાઓમાં ઘટાડો
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી આયોજનના પરિણામે મહિલાઓ ઉપર થતા અત્યાચારને નાથીને ગુનેગારોને કડક સજા થાય એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. જેના પરિણામે રાજયમાં છેલ્લા 10 વર્ષ કરતા આ વર્ષે મહિલાઓ પર થતા ગુનાઓનું પ્રમાણ ઘટ્યું છે. એમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.
આજે વિધાનસભા ખાતે છોટાઉદેપુર જિલ્લામાં સુરક્ષાસેતુ યોજના અંતર્ગત મહિલાઓને સ્વરક્ષણ માટે તાલીમ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પોલીસ પ્રજાનો મિત્ર બને અને નાગરિકો તથા પોલીસ વચ્ચે સંવાદ થઈ સામાજિક સમરસતા કેળવાય એ માટે સઘન પ્રયાસો હાથ ધરાય છે. મહિલા સુરક્ષા ધ્યાને લઈને મહિલાઓને ઘરમાં તથા ઘર બહાર જાય ત્યારે તેને સુરક્ષા મળી રહે એ માટે મહિલા સ્વયં સક્ષમ બને એ જરૂરી હોઈ, સુરક્ષા સેતુ યોજના હેઠળ સ્વરક્ષણની તાલીમ આપવામાં આવે છે. મહિલાઓને કાયદાકીય હક્કો અંગે, કામના સ્થળે થતી જાતીય સતામણી, ઘરેલું હિંસા સામે કેવી રીતે રક્ષણ મેળવવું એ અગે તાલીમ અને માર્ગદર્શન આ યોજના હેઠળ આપવામાં આવે છે. આ માટે રાજ્યમાં મહિલા સંરક્ષણ અને મહિલા વિરુદ્ધ ગુનાઓ ન થાય એ માટેનું વાતાવરણ ઊભું થાય એવા પ્રયાસો પણ હાથ ધરાય છે. રાજ્યમાં મહિલાઓને ગુનાઓ સામે રક્ષણ મળી રહે 181 અભયમ હેલ્પલાઇન તથા સાયબર ગુનાઓના રક્ષણ માટે 1930 સાયબર બુલિંગ હેલ્પલાઇન કાર્યરત કરાઇ છે. સુરક્ષા સેતુ યોજના હેઠળ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 14,76,171 મહિલાઓને તાલીમબધ્ધ કરાઈ છે.
તેમણે ઉમેર્યું છે કે,મહિલાઓને સંરક્ષણ તાલીમ ઉપરાંત હસ્તકલા કામગીરી,સાયબર ક્રાઈમ સુરક્ષા અંગેની તાલીમ પણ અપાય છે. આ યોજના હેઠળ મહિલાઓ ઉપરાંત બાળકો – વૃદ્ધોને પણ સંરક્ષણ આપવા માટેના પ્રયાસો હાથ ધરાય છે. બાળકોને પોલીસનો ડર દૂર થાય અને પોલીસ પ્રજાનો મિત્ર બને એ આશયથી રાજ્યમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના કાર્યરત છે. જેમાં રાજ્યમાં બાર જેટલા સુરક્ષા રથ કાર્યરત છે જેના દ્વારા પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના હેઠળ 99,575 બાળકોને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવાઈ છે અને 5,10,236 બાળકોને ટ્રાફિકના નિયમો અંગે જાણકારી અપાઈ છે. આ ઉપરાંત બાળકોએ આવનારા સમયનું ભાવિ છે ત્યારે તેઓમાં જાગૃતિ આવે એ આશયથી વ્યસનમુક્તિ અંગે માર્ગદર્શન તેમજ સ્વચ્છ મિશન અંગેની પણ તાલીમ પણ આપવામાં આવે છે. તેમણે ઉમેર્યું છે કે, છોટાઉદેપુર જિલ્લામાં સુરક્ષા સેતુ યોજના અંતર્ગત 11,290 મહિલાઓને તેમજ ખેડા જિલ્લામાં 4,756 મહિલાઓને તાલીમ પૂરી પાડવામાં આવી છે.