અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના જંગી સ્કોર સામે ભારતીય બેટ્સમેનોએ મજબૂતી સાથે વળતી લડત આપી છે. પ્રથમ દાવમાં જો ભારત લીડ હાંસલ કરી લેશે તો અમદાવાદ ટેસ્ટમાં ભારતની પકડ વધુ મજબૂત બની જશે અને આઇસીસીની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલમાં પ્રવેશનો દ્વાર ખૂલી જશે.
ઓસ્ટ્રેલીયાના પ્રથમ દાવના જંગી સ્કોર સામે ભારતની વળતી લડત: શુભમન ગીલે સદી ફટકારી
બંને દેશોના વડાપ્રધાનની વિશેષ ઉ5સ્થિતિમાં ગત ગુરૂવારથી અમદાવાદ ખાતે ચોથી અને અંતિમ ટેસ્ટનો આરંભ થયો હતો. જેમાં ઓસ્ટ્રેલીયાના સુકાની સ્મિથે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનર ઉસ્માન ખ્વાજાના 180 રન અને કેમરૂન ગ્રીનના 114 રનની મદદથી ઓસ્ટ્રેલીયાની ટીમે પ્રથમ દાવમાં 480 રનનો તોતીંગ જુમલો ખડક્યો હતો. પાંચમી વિકેટ માટે 227 અને નવમી વિકેટ માટે 70 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાઇ હતી. ભારતવતી રવિચંદ્રન અશ્ર્વિને 91 રન આપીને છ વિકેટો ખેડવી હતી.
જ્યારે મહંમદ શામીએ બે અને રવિન્દ્ર જાડેજા તથા અક્ષર પટેલે એક-એક વિકેટ લીધી હતી. ગઇકાલે બીજા દિવસની રમતના અંતે ભારતે વિના વિકેટે 36 રન બનાવ્યા લીધાં હતાં. આજે રોહિત શર્મા અને શુભમન ગીલે ભારતની રમતને આગળ વધારી હતી. રોહિત શર્માના રૂપમાં ભારતની પ્રથમ વિકેટ પડી હતી. રોહિત 58 બોલમાં 35 રન બનાવી આઉટ થયો હતો. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 74 રનની મહત્વપૂર્ણની ભાગીદારી નોંધાઇ હતી. ત્યારબાદ શુભમન ગીલ સાથે રમતમાં જોડાયેલા ચેતેશ્ર્વર પુજારાએ પણ ભારતીય ટીમના સ્કોર બોર્ડને સતત ફરતું રાખ્યું હતું. આ દરમિયાન શુભમન ગીલે પોતાની ટેસ્ટ કારકિર્દીની બીજી સદી ફટકારી હતી.
ગીલ અને પુજારા વચ્ચે બીજી વિકેટ માટે 113 રનની પાર્ટનરશિપ થઇ હતી. 42 રનના સ્કોરે ચેતેશ્ર્વર મર્ફીની બોલીંગમાં એલબીડબલ્યૂ આઉટ થયો હતો. તેને ડીઆરએસ લીધું હતું પરંતુ તે નિષ્ફળ ગયું હતું. ચાના વિરામ સુધીમાં ભારતીય ટીમે બે વિકેટના ભોગે 188 રન બનાવી લીધા છે. શુભમન ગીલ 103 રન સાથે અને વિરાટ કોહલી ઝીરો રન સાથે બેટીંગ કરી રહ્યાં છે. સરળતાથી ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલમાં પ્રવેશવા માટે કોઇપણ કાળે ચોથો ટેસ્ટ જીતવો જરૂરી છે. આવામાં ચોથો ટેસ્ટ જીતવા માટે ભારતે પ્રથમ દાવમાં લીડ મેળવવી પડશે. કારણ કે ચોથી ઇનિંગ્સમાં વિકેટ વધુ ઘાતક બનશે. હજુ ભારતે દોઢ દિવસ બેટીંગ કરવી પડશે. જે રિતે વિકેટનો મિજાજ છે તે જોતા એવું લાગતું નથી કે ચોથા ટેસ્ટનું પરિણામ આવે. પ્રથમ ત્રણ ટેસ્ટ માત્ર ત્રણ દિવસમાં જ સમેટાઇ ગઇ હતી.
ન્યૂઝીલેન્ડ શ્રીલંકાને પરાસ્ત કરે તો ભારત ડબલ્યૂટીસીના ફાઇનલમાં પ્રવેશ મેળવી શકે
ત્રીજો ટેસ્ટ મેચ હાર્યા બાદ ભારત માટે અમદાવાદ ટેસ્ટ જીતવો જરૂરી બની ગયો છે. જો ચોથો ટેસ્ટ ડ્રોમાં જાય તો ભારતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલમાં પ્રવેશવાની આશા ધૂંધળી બની જાય આવામાં જો ટેસ્ટ ડ્રો જશે તો ભારત માટે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણી મહત્વપૂર્ણ બની રહેશે. જો શ્રીલંકાની ટીમ ન્યૂઝીલેન્ડની ટીમને 2-0થી પરાજય આપે તો શ્રીલંકાની ટીમ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલમાં આવી જશે.જો શ્રીલંકા એક ટેસ્ટ જીતે અને બીજો ટેસ્ટ ડ્રોમાં પરિણમે તો પણ ભારતની સારા પર્સન્ટેજના આધારે ભારતનો ફાઇનલમાં પ્રવેશ થઇ શકે તેમ છે.