પાડોશીઓને આર્થિક રીતે મદદરૂપ થતા વૃધ્ધે પત્ની અને પુત્રી સાથે નર્મદા કેમમાં પડતુ મુકી શા માટે જીવન ટૂંકાવ્યા? પોલીસ દ્વારા તપાસ
સુરેન્દ્રનગરના રાજપરા ગામની નર્મદા કેનાલમાંથી ગઇકાલે દરજી પરિવારના વૃધ્ધ, તેમના પત્ની અને પુત્રીના મૃતદેહ મળી આવ્યા બાદ તરવૈયાઓએ ત્રણેય મૃતદેહ બહાર કાઢી સામુહિક આપઘાત પાછળનું કારણ જાણવા વિવિધ દિશામાં તપાસ હાથધરી છે.
આ અગેની જાણવા મળતી વધુ વિગત મુજબ વઢવાણ તાલુકાનાં રાજપર ગામ નજીકથી પસાર થતી દુધરેજ કેનાલમાંથી એક સાથે ત્રણ લાશ મળી આવતા પોલીસ અને તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. બી-ડિવીઝન પોલીસ સ્ટાફ, નગરપાલીકા ફાયર વિભાગની ટીમ, સ્થાનિક તરવૈયાઓ, અધિકારીઓ વિગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્રણેય લાશ બહાર કાઢવામાં આવી હતી.
પ્રાથમીક તપાસમાં મૃતકો સુરેન્દ્રનગર જે.પી.શેરી નં.1 અંકુર વિદ્યાલય પાસે સૂર્યાનગરમાં રહેતા હોવાનું ખુલ્યું હતું. જેમાં 63 વર્ષના દિપેશભાઈ અંબાલાલ પાટડીયા, તેમના પત્નિ 54 વર્ષનાં પ્રફુલ્લાબેન દિપેશભાઈ પાટડીયા અને 16 વર્ષની દિકરી ઉત્સવી દિપેશભાઈ પાટડીયાનો સમાવેશ થાય છે. એક જ પરિવારનાં ત્રણ સભ્યોની લાશ મળી આવતા સુરેન્દ્રનગર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
દિપેશભાઈ પાટડીયા અને તેમનાં પત્નિ, દિકરીએ સામુહિક આપઘાત કર્યો છે…? કે પછી કોઈ અકસ્માતે ત્રણેયનાં મૃત્યુ થયા છે…? તે તપાસનો વિષય છે. જાણવા મળ્યા મુજબ દરજી જ્ઞાાતિનાં દિપેશભાઈ પાટડીયાનો પરિવાર જે.પી.શેરી નં.1 પાસેનાં સુર્યાનગરમાં રહે છે. શહેરનાં મેઈન રોડ ઉપર સર્વોદય શો-રૂમ સામે આવેલ આકાશ ગંગા કોમ્પલેક્ષમાં તેમની ” જેન્ટસ ટેઈલર્સ” નામની દુકાન છે. આસપાસનાં વેપારીઓનું કહેવું છે કે, તેઓ ખુબ ભલા માણસ હતા કોઈપણ જાતનું વ્યસન પણ નહોતું અમારે નાણાની જરૂર પડે તો તેઓ નાણાની મદદ કરતા હતા તેથી તેમને નાણાભીડ હોય અને સમુહિક આપઘાત કર્યો હોય તેવું કઈ રીતે માનવું તે અવઢવ છે. બીજી તરફ પોલીસ ને મૃતદેહો કે ઘરની તલાશી વખતે હજુ કોઈ સ્યુસાઈટ નોટ કે કશું મળેલ નથી. કેનાલ માંથી લાશો બહાર કાઢવામાં આવી ત્યારે પણ માત્ર 1 રૂપિયાનો સિક્કો, બે ચાવીનાં ઝુડા જ મળ્યા હતા. ત્રણેય મૃતકો પાસેથી મોબાઈલ પણ મળ્યા નથી. જેટસ ચપ્પલમાં એક બોટલ ભરાવેલી જોવા મળેલ હતી. આ બોટલ શેની છે…? ઝેરી દવાની છે…? શું ત્રણેયે પહેલા દવા પીધી પછી કેનાલમાં ઝંપલાવ્યું હશે…? આ પ્રશ્નો પણ પોલીસ માટે ઉંડી તપાસનાં વિષય બન્યા છે. મૃતક દિપેશભાઈ પાટડીયાના પરિવાર વિશે જાણવા મળેલી વિગત મુજબ તેઓ મુળ વઢવાણનાં વતની છે અને છેલ્લા ઘા સમયથી પરિવાર સાથે સુરેન્દ્રનગરમાં રહે છે. તેમની દિકરી ઉત્સવી ધોરણ-10માં અભ્યાસ કરતી હતી. દિકરો ભાવિક હાલ અમદાવાદમાં નોકરી કરે છે.
મૃતક દિકરી ઉત્સવી હાથમાં મહેંદી મુકેલી જોવા મળી છે. તેમનાં નજીકનાં કોઈ સગાને ત્યાં સગાઈનો પ્રસંગ હતો તેમાં જવાનાં હતા પરંતુ અચાનક આ ઘટના બની જતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યાં છે. હાલ પોલીસ સામુહિક આપઘાત સહીત અલગ-અલગ એંગલથી તપાસ કરી રહી છે.
સુરેન્દ્રનગર આસપાસથી પસાર થતી કેનાલો, ઢાંકી પમ્પીંગ સ્ટેશનની કેનાલ વીગેરે સ્થળોએ આપઘાત કે અકસ્માતે પડી જવાથી માનવ મોતનાં બનાવો વધી રહ્યાં છે. સુરેન્દ્રનગર નગરપાલીકાનાં ફાયર વિભાગ દ્વારા છેલ્લા બે મહિનામાં આવી કેનાલોમાં ડુબીને મૃત્યુ પામેલી 14 જેટલી વ્યક્તિઓની લાશ બહાર કાઢી હોવાનું જાણવા મળેલ છે.
એકી સાથે એક જ પરિવારની ત્રણ-ત્રણ અર્થીઓ એક જ ઘરમાંથી ઉઠતા સગા સ્નેહી સંબંધીઓ તેમજ જે વિસ્તારમાં રહેતા હતા તે વિસ્તારમાં ગમ ગીનતા છવાઈ જેવા પામી હતી અને એકી સાથે ત્રણ-ત્રણ અર્થીઓ એક જ ઘરમાંથી ઉડતા આખોય વિસ્તાર અરેરાટી ભર્યો માહોલ જોવા મળી રહ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં શોખનું મોજુ ફરી વળ્યું હતું ત્યારે પુત્ર પણ વલોપાત કરતો હતો કે મારા પિતા સાથે ગઈ રાત્રીના વાતચીત થઈ અને અચાનક તેમને આવું શું સૂઝ્યું પરંતુ મારા પિતા આવું પગલું ભરી ના શકે ત્યારે પુત્ર એ ત્રણેય વ્યક્તિઓની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી છે પરંતુ હાલમાં તેમના પીએમ રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ જાણવા મળશે તેવું હાલમાં પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું
દીકરાએ એક દિવસ પહેલા માતા-પિતા સાથે વાત કરી હતી
સુરેન્દ્રનગરમાં રહેતા દિપેશભાઈએ પત્નિ અને પુત્રી સાથે અચાનક જ કેમ જીવન ટૂંકાવ્યું તે અંગે રહસ્ય ઉભું થયું છે. દિપેશભાઈના પુત્રએ જણાવ્યું હતુ કે બનાવના આગલા દિવસે સાંજે જ તેમણે માતા-પિતા સાથે વાત કરી હતી પરંતુ તેમની સાથે વાત પરથી એવુ કંઈ લાગતુ ન હતુ. જ્યારે દિપેશભાઈ અને તેમની પત્નિ તેમજ પુત્રી ત્રણેય વહેલી સવારથી ઘરે તાળું મારી નીકળી ગયા હતા, જે બાદ તેમની લાશ કેનાલમાંથી મળી આવી હતી. આથી મોતનું સાચુ કારણ જાણવા ત્રણેય મૃતકોની લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મોકલવામાં આવી છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનુ સચોટ કારણ બહાર આવશે પરંતુ એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના મોતની ખબર જાણીને તેમના પરિવારના સભ્યો, સગા અને પાડોશીઓને ભારે આશ્ચર્ય થઈ રહ્યું છે અને આ કેસમાં કઈ બાબત જવાબદાર છે તે જાણવા માટે ઉત્સુક છે. પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાશે તેમ પોલીસ સૂત્રો જણાવી રહ્યાં છે.
ફેમિલી વ્હોટસએપમાં મુકેલી છેલ્લી પોસ્ટ…હેપ્પી બર્થડે
મૃતકો દિપેશભાઈ અને તેમનો પરિવાર સરળ, મીલનસાર સ્વભાવના હતા. નજીકનાં કોઈ સગાને ત્યાં સગાઈનો પ્રસંગ હોવાથી ત્યાં જવાનાં હતાં. તેમનાં ફેમીલી વ્હોટ્સ એપ ગૃપમાં કોઈનો જન્મદિવસ હોવાથી ગઈકાલે જ દિપેશભાઈ અને ઉત્સવીએ હેપ્પી બર્થ ડે પોસ્ટ કરી શુભેચ્છા પાઠવી હતી આ તેમની છેલ્લી પોસ્ટ બની રહી હતી.