ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનને ફેડના ચેરમેનની જવાબદારી સોંપવા પ્રતિષ્ઠીત મેગેઝીનનો પ્રસ્તાવ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેનની જવાબદારી સોંપવામાં આવે તેવી શકયતા છે. રઘુરામ રાજનની આર્થિક નીતિનો ભારતમાં કેટલાકે વિરોધ કર્યો હતો. તેમને ખદેડી અન્ય વ્યક્તિને ગવર્નર તરીકે બેસાડવામાં આવ્યા હતા. ત્યારે હવે યુએસ ફેડરલ બેંકના વડા તરીકે રઘુરામ રાજનનો પ્રસ્તાવ અમેરિકાના પ્રતિષ્ઠીત ફાયનાન્સીયલ મેગેઝીન બેરન્સ દ્વારા મુકવામાં આવ્યો છે.
રઘુરામ રાજનને યુએસ ફેડ ચેરમેન બનાવવા માટે મેગેઝીને ઘણી હિમાયત અને દલિલ કરી છે. દલિલમાં કહ્યું છે કે, રાજનના સમયે ભારતમાં મોંઘવારીનો દર અડધો થઈ ગયો હતો. શેરબજારમાં પણ ૫૦ ટકા સુધીનો સુધારો નોંધાયો હતો. રૂપિયો પણ સ્થિર હતો. જો સ્પોર્ટની ટીમો સમગ્ર દુનિયામાંથી સા‚ ટેલેન્ટ શોધી શકે છે તો સેન્ટ્રલ બેંકો શા માટે આ મામલે વિશ્ર્વમાં નજર દોડાવી શકે નહીં તેવી દલીલ પણ કરવામાં આવી છે.
ફેડરલ રિઝર્વ અમેરિકાની સેન્ટ્રલ બેંક છે. વર્તમાન વડા તરીકે જેનેટ યેલન જવાબદારી નિભાવી રહ્યાં છે. આગામી ચેરમેન તરીકે ટ્રમ્પના વહીવટી તંત્રમાં ઘણા નામોની ચર્ચા છે. જેનેટની ટર્મ જાન્યુઆરીમાં પૂર્ણ થઈ રહી હોવાથી હાલ ભવિષ્યના વડાના નામ મામલે ચર્ચા ચાલી રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ભારતમાં રઘુરામ રાજનની નીતિનો ઘણા લોકોએ વિરોધ કર્યો હતો. ત્યારે અમેરિકાના અર્થતંત્રમાં રઘુરામ રાજનની સેવા માટે પ્રતિષ્ઠીત મેગેઝીને કરેલા પ્રસ્તાવે નિષ્ણાંતોનું ધ્યાન ખેંચ્યું છે.