દસ વર્ષ પહેલા પિતાની હત્યાનો બદલો લેવા આઠ ગોળી ધરબી ઢીમ ઢાળી દીધું
પિતાની જે રીતે હત્યા થઈ તે રીતે જ કાવતરૂ ઘડી મોતને ઘાટ ઉતાર્યાની અને દસ વર્ષે વેર વાળી મુખ્ય સુત્રધારે ચપ્પલની બાધા પુરી કરી
વંથલીના રવની ગામે ધુળેટીની રાત્રે એક યુવકની થયેલ હત્યાનો ભેદ પોલીસે કલાકોમાં ઉકેલી, હત્યા કરનાર બે શખ્સોને ઝડપી લીધા છે, આ હત્યા પાછળ ખૂન કા બદલા ખૂનની સનસનીખેજ વિગતો બહાર આવી છે. દસ વર્ષ પહેલાં પિતાની થયેલ હત્યાનો બદલો લેવા ઉઘાડા પગની બાધા રાખનાર 22 વર્ષના યુવકે પિતાના હત્યારાને આઠ ગોળી ધરબી જીવ ન ગયો ત્યાં સુધી ઉભા રહી વેર વાળ્યું હોવાનુ સામે આવ્યું છે.
વંથલીના રવની ગામે ધુળેટી ની રાત્રે સવા નવ વાગ્યાના અરસામાં સલીમ હબીબભાઈ સાંધ (ઉ. વ. 31) તેમના ખેતરના ભાગિયા કિશોર ઉર્ફે બુલબુલ રમેશ ચાવડા સાથે બાઈક ઉપર જઈ રહ્યા હતા ત્યારે બે બુકાનીધારી શખ્સોએ બાઈક ઉપર આવી સલીમ સાંધના બાઈક સાથે બાઈક અથડાવતા, સલીમ સાંધ બાઈકમાંથી ફંગોળાઈ ગયેલ હતો, ત્યારે બાઈકની પાછળ બેઠેલા શખ્સે ધડાધડ ફાયરિંગ કરી દેતા સલીમ સાંધ લોહી લુહાણ થઈ ગયો હતો, જ્યારે તેમની સાથેનો તેમનો ભાગીયો કિશોર ઉર્ફે બુલબુલ ભાગીને મંદિર પાછળ શંતાય ગયો હતો. દરમિયાન બાઈક પર આવેલ બંને શખ્સો ફાયરિંગ કરી ભાગી જતા કિશોર ઉર્ફે બુલબુલ બહાર આવ્યો હતો અને બાદમાં સલીમને લોહીથી લથબથ હાલતમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ. જ્યાં ફરજ પરના તબીબે સલીમ સાંધને મરણ ગયેલ હોવાનું જાહેર કર્યું હતું.
આ ઘટનાની જાણ થતા જુનાગઢ એસ.પી રવિ તેજા વાસમ શેટી, ડીવાયએસપી હિતેશ ધાંધલીયા સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વિગતો મેળવી હતી. બાદમાં મરણ જનારના પિતા હબીબભાઈ ઇબ્રાહીમભાઇ સાંધએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલવા ટીમો બનાવી વિવિધ રીતે તપાસો આદરી હતી. જે દરમિયાન આ હત્યા ટીકર પાદરડી ગામના લતીફ અબ્દુલ ઉર્ફે અબલો મુસા સાંધ અને મુસ્તાફ હનીફ ઉર્ફે મહમદ અલી દલ (રહેવાસી જામવાળી, માળીયા) એ કરી હોવાનું સામે આવતા બંને શખ્સોને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા, અને હત્યારા લતીફ અને મુસ્તાફને ટીકર ગામે આવેલી લતીફની વાડીએથી ઝડપી લીધા હતા.
બંને શખ્સો સલીમ ની હત્યા કરવા માટે કાવતરું રચી, નંબર પ્લેટ વગરનું બાઈક લઈને રવની ગામે બુકાની બાંધી પહોંચ્યા હતા, અને સલીમ સાંધ તેના ભાગ્યા સાથે બાઈક ઉપર ગામના પાદરમાં આવેલ ગૌશાળા નજીક પહોંચતા બંને શખ્સો એ સલીમ સાંધના બાઈક સાથે બાઈક અથડાવી દીધું હતું, જેના કારણે સલીમ સાંધ બાઈક પરથી નીચે પછડાયો હતો. ત્યારે લતીફે પોતાના પિતાની હત્યાનો બદલો લેવા સલીમ સાંધ ઉપર ધડાધડ ફાયરિંગ કરી, આઠ ગોળી ધરબી દઈ, સલીમ સાંધની હત્યાને અંજામ આપ્યો હતો.
બંને આરોપીઓની જુનાગઢ પોલીસ દ્વારા પૂછપરછ તથા આ હત્યામાં કોઈએ ટીપ આપી છે કે કેમ ? તથા આ હત્યામાં અન્ય કોઇની સંડોવણી છે ? તથા હત્યામાં વાપરવામાં હથિયાર ક્યાંથી આવ્યું ? તે સહિતની વિશેષ તપાસ માટે બંનેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી ધરાઈ છે.
લતીફ જ્યારે બાર વર્ષનો હતો ત્યારે તેના પિતાની હત્યા કરનાર સલીમે કરી હતી ત્યારે હત્યાનો બદલો હત્યાથી લેવા માટે લતિફે ઉઘાડા પગે ચાલવાની બાધા રાખી હતી, અને સલીમે જે રીતે લતીફના પિતાને બાઈક પરથી પછાળી, વાડલ ફાટક પાસે ગોળી મારીને હત્યા કરી હતી તે સ્ટાઇલથી જ લતીફે સલીમની હત્યા કરી પિતાના ખૂનનો બદલો લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
લતીફના પિતાની દસ વર્ષ પહેલા સલીમે હત્યા કરી હતી, અને સલીમ સાધ આ મર્ડર કેસમાં બે વર્ષ જેલમાં રહ્યા હતા. અને મર્ડર કેસમાં બંને પક્ષ વચ્ચે સમાધાન થતા સલીમ સાંધને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યા હતા, અને ત્યારથી લતીફમાં વેરની આગળ જડુબી રહી હતી. અને તેમણે ધુળેટીની રાત્રે રવની ગામમાં સરાજાહેર ફાયરિંગ કરી સલીમની હત્યા કરી હતી.
રવની ગામે સલીમ સાંધની હત્યા થઈ છે તે સલીમ કુખ્યાત ગેંગસ્ટર જુશુબ અલ્લારખાનો પિતરાઈ થતો હોવાનું પોલીસ તપાસવામાં સામે આવ્યો છે. હાલ જશુબ સાબરમતી જેલમાં છે અને સમગ્ર રાજ્યની પોલીસને હમફાવનારા જુસુબને ગુજરાત એટીએસની પાંચ મહિલા પીએસઆઇઓએ ઘોડા ઉપર પીછો કરીને જંગલમાંથી ઝડપી લીધો હોવાનું પોલીસ દ્વારા જાણવા મળી રહ્યું છે.