કોઇ અજાણ્યા શખ્સે ખેતરમાં આગ લગાડતા જગતાતને રૂા.3.18 લાખનું નુકશાન

પાટડી તાલુકાના સાવડા ગામના એક ખેતરમાં કોઇ અજાણ્યા ઇસમે આગ લગાવતા 60 મણ જીરા સહિત રૂ. 3.18 લાખનો મુદામાલ બળીને ખાખ થઇ ગયો હતો.આ આગની ઘટનામાં રૂ. 3 લાખની કિંમતનું 60 મણ જીરૂ, પ્લાસ્ટિકની તાડપત્રી 4 અને શીંગડા પાઇપ નંગ- 7 મળી કુલ રૂ. 3,18,500નો મુદામાલ બળીને ખાખ થઇ જતા ખેડૂત પાયમાલ બન્યો હતો.

આ આગની ઘટનાની પ્રાપ્ત વિગતાનુસાર પાટડી તાલુકાના સાવડા ગામે વણકર વાસમાં રહેતા ખેડૂત ગણેશભાઇ મુળજીભાઇ રાઠોડ ખેતીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. એમણે પોતાના પાંચ વિઘાના ખેતરમાં રવિપાક તરીકે જીરાનું વાવેતર કર્યું હતુ. જેમાં સાવડા ગામની સીમમાં નવા તળાવ પાસે મુળાસરૂ નામે ઓળખાતા ખેતરમાં વાવેલુ જીરૂ પાકી જતાં મજૂરો મારફતે જીરાનો પાક ઉપાડવામાં આવ્યો હતો. આ જીરૂ ખેતરમાં પ્લાસ્ટિક પાથરી છોડવા સહિત પાથરેલું હતુ. આ જીરાને થ્રેસરમાં કઢાવવાનું બાકી હતુ. અને માવઠાની આગાહીના પગલે જીરાના ઢગલા પર પ્લાસ્ટિકની તાડપત્રી પણ ઢાંકી દેવામાં આવી હતી.

સાવડાના ખેડૂત ગણેશભાઇ મુળજીભાઇ રાઠોડ જીરાની દેખરેખ માટે બે રાત્રી રોકાણ પોતાના ખેતરમાં કર્યું હતુ. ત્રીજા દિવસે તેઓ પોતાના કાકા અમરાભાઇના ખેતરે જીરૂ વાઢતા હોય મજુરી કામ અર્થે ગયા હતા. ત્યાંથી બપોરે જમીને ખેતરે જતાં ખેતરમાં જીરામાં ઢગલામાં આગ લાગતા જીરૂ સળગતું હતુ. અને મોટાભાગનું જીરૂ બળી ગયું હતુ. ખેતર આજુબાજુમાં ક્યાંય પાણીની વ્યવસ્થા ન હોઇ 60 મણ જીરૂ ખેડૂતની આંખ સામે પળવારમાં બળીને ખાખ થઇ ગયું હતુ.

સાવડા ગામના ખેડૂત ગણેશભાઇ મુળજીભાઇ રાઠોડના ખેતરમાં લાગેલી આગમાં રૂ.3 લાખની કિંમતનું 60 મણ જીરૂ, રૂ. 14,000ની કિંમતની પ્લાસ્ટિકની તાડપત્રી 4 અને રૂ.4500ની કિંમતના પાણી પાવા માટેના પ્લાસ્ટિકના ટોટા શીંગડા પાઇપ નંગ- 7 મળી કુલ રૂ. 3,18,500નો મુદામાલ બળીને ખાખ થઇ જતા ખેડૂત પાયમાલ બન્યો હતો. આ બનાવ અંગે સાવડા ગામના ખેડૂત ગણેશભાઇ મુળજીભાઇ રાઠોડે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસની વધુ તપાસ પાટડી પોલીસ મથકના પીએસઆઇ ડી.એલ.પરમાર ચલાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.