કોઈ જાનહાની નહીં, ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ભચાઉથી 10 કિમી દૂર ઉત્તર-ઉત્તર-પૂર્વમાં નોંધાયું
બુધવારે વહેલી સવારે કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઇ હતી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા આ માહિતી મળી હતી. ગાંધીનગર સ્થિત આઈએસઆર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ભૂકંપના હળવા આંચકા સવારના સમયે અનુભવાયા હતા અને ભૂકંપનું કેન્દ્ર કચ્છ જિલ્લાના ભચાઉ શહેરથી લગભગ 10 કિમી દૂર ઉત્તર-ઉત્તર-પૂર્વમાં 24.6 કિમીની ઊંડાઈએ હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપના કારણે કોઈ નુકસાન અથવાતો જાનહાનીના સમાચાર મળ્યા નથી.
વારંવાર કચ્છમાં ભૂકંપ આવતા હોય છે ત્યારે છેલ્લે ફેબ્રુઆરી 27ના રોજ 3.8ની તીવ્રતાના ભૂકંપની અનુભૂતિ કરાઈ હતી. સિસમીક ઝોન હોવાથી કચ્છમાં સમયાંતરે ભૂકંપ આવી રહ્યા છે. ત્યારે શું તમે ક્યારેય વિચાર્યુ છે કે કચ્છમાં છેલ્લા 20 વર્ષથી સતત ભૂકંપના આંચકા કેમ અનુભવાઈ રહ્યા છે. કચ્છ યૂનિવર્સિટીના સંશોધન મુજબ આ પાછળનું મુખ્ય કારણ એ છે કે કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટલાઈન આવેલી છે. જેમાંથી વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છમેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે. આમ આ બે ફોલ્ટલાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે.
મોટા ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે 2001ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ આવે છે. વર્ષ 2001માં જે કચ્છમાં ભૂકંપ આવ્યો હતો તે ભારતનો ત્રીજો મોટો અને બીજો સૌથી ઘાતક ભૂકંપમાં 13,800 લોકોના મોત નિપજ્યા હતા, જયારે 1.67 લાખ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.