બરછટ ધાન ગરીબોનું ખાણુ ભલે ગણાતું પણ એના પોષક તત્વોની જાહોજલાલી કમ નથી
માંગરોળના આયુષ મેળામાં ધાન્ય અને ઘરગથ્થુ જડીબુટ્ટીનું યોજાયું પ્રદર્શન
જુવાર, બાજરી, ડાંગર, રાજગરો, કોદરી આ પ્રકારના જે ધાન્યો છે જે ધાન્યોને આપણે એવું માનીએ છીએ કે, આ તો ગરીબ લોકોનું ખાણું છે પરંતુ હકીકતની અંદર જો તપાસીએ તો આ બધા જ ધાન્યો એવા છે કે જેની અંદર પુષ્કળ પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ, એન્ટિઓક્સિડન્સ તત્વો રહેલા છે. સામો કે જેને આપણે ફક્ત ફરાળની વાનગી બનાવવાની અંદર જ વાપરીએ છીએ. આ સામાની અંદર નેચરલ સ્ટેરોઈડ રહેલું છે કે જેને ખાવાથી શરીરની અંદર શક્તિ અને સ્ફૂર્તિ વધે છે.
જુવાર ફૂલ ઓફ મેગ્નેશિયમ, ફોસ્ફરસ બાજરી ફૂલ ઓફ આયરન અને વિટામિન્સ આવા ઘણા બધા ધાન્યો છે કે, જેને આપણે આપણી ભોજનની થાળી માંથી બાદ કરી દીધા છે. આવા ધાન્યોના ઉપયોગ અને તેની શરીરમાં આવશ્યકતા તથા ફાયદા ઓ વિશે આયુષની કચેરી ગાંધીનગર અને જૂનાગઢ જિલ્લા પંચાયત શાખા દ્વારા માંગરોળ ખાતે આયોજિત આયુષ મેળાની અંદર પ્રદર્શન કરી અને લોકોને આ ધાન્ય બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ મેળાની અંદર આ ધાન્ય ઉપરાંત આપણી આસપાસ ઉગતી વનસ્પતિ જેવી કે લીમડો, ગળો, બોરસલી, પીપળો પપૈયા, કુંવારપાઠું, તુલસી એ ઉપરાંતની ઘણી બધી વનસ્પતિઓ, પારિજાત, નગોડ, અરડુસી ભોઆંબલી કે જેનુ આપણી આસપાસ ઉત્પાદન ખૂબ જ થાય છે પરંતુ આપણી અજ્ઞાનતાને કારણે આપણે તેને ઓળખી શકતા નથી. અને આ બધી વનસ્પતિઓનું ઔષધીય મૂલ્ય કેટલું છે તે ઘણા લોકો જાણતા નથી. ત્યારે માંગરોળ મુકામે યોજાયેલ આ આયુષ મેળાની અંદર આપણી આસપાસ ઉગતી આવી વનસ્પતિ પ્રદર્શનનું પણ એક ખાસ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું તથા એ ક્યા રોગની અંદર આ ઔષધીઓનો કઈ રીતે ઉપયોગ થઈ શકે તે બાબતની જાણકારી આપવામાં આવી હતી,
આ સાથે આ મેળાની અંદર યોગનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયતના તમામ આયુર્વેદ વેલનેસ સેન્ટરના યોગ ઇન્સ્ટ્રક્ટરો દ્વારા સુંદર મજાનું યોગ્ય દર્શન કરવામાં આવ્યું હતુ.
ઉપરાંત આયુર્વેદની અંદર અમુક જે પદ્ધતિઓ હતી કે જે ભુલાઈ ગઈ છે અથવા તો જેનું પ્રોપર માર્ગદર્શન અથવા તો જાણકારી ન હોવાને કારણે એક નિયમ વિરુદ્ધ કાર્ય થઈ રહ્યું હતુ એવી એક પદ્ધતિ છે અગ્નિ કર્મ. પહેલાના જમાનામાં કોઈપણ વ્યક્તિ બીમાર પડે ત્યારે તેને અગ્નિથી વૈજ્ઞાનિક રીતે ડામ આપવામાં આવતો હતો. બાદમાં સમાજમાં તેનો ખૂબ વિરોધ અને અંધશ્રદ્ધા નામ આપવામાં આવ્યું હતું. પરંતુ આયુર્વેદમાં આ મેથડ અગ્નિ કર્મના નામે પ્રચલિત અને પ્રખ્યાત છે કેટલાય એવા રોગ છે કે જેમાં તાત્કાલિક પરિણામ આ અગ્નિકર્મ દ્વારા મળે છે નિષ્ણાંત આયુર્વેદના વૈદ્યો દ્વારા આ અગ્નિકર્મ પ્રોપર રીતે કરવામાં આવે છે.
આની સાથે મેળામાં જુના ચામડીના રોગોની અંદર જળો દ્વારા રક્ત મોક્ષણ કરાવીને ચામડીના રોગોની સારવારની સાથે વાના રોગ, સાંધાના રોગ, પેટના રોગ, શ્વાસના રોગ, જૂની શરદી ના રોગ, ચામડીના રોગ, માથા અને મગજના રોગની સારવાર આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિથી આપવામાં આવી હતી. જેનો એક હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો.
આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા પ્રેરિત આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા આયોજિત સરકારી આયુર્વેદ હોસ્પિટલ જુનાગઢ ઉપરાંત આરોગ્ય વિભાગ, આઇસીડીએસ વિભાગ અને સામાજિક અગ્રણીઓના સહકારથી માંગરોળ ખાતે જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયાના વરદ હસ્તે ઉદઘાટન થયેલ આ મેળામાં સાવજ દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, જિલ્લા તથા તાલુકા પંચાયતના પદાધિકારીઓ, સદસ્યો, બક્ષીપંચ મોરચા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી, ખારવા સમાજના આગેવાન પરસોત્તમભાઈ પટેલ સહિત માંગરોળના નગર શ્રેષ્ઠીઓ, સામાજિક સંસ્થાઓના આગેવાનો, તથા લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી, આયુષ મેળામાં આયુષની વિવિધ પદ્ધતિઓ દ્વારા થતા નિદાન અને સારવાર, આયુર્વેદ ઔષધી, રસોડા અને ઘર આંગણાની ઔષધીઓનું પ્રદર્શન, આયુષની વિવિધ પદ્ધતિઓનું નિદર્શનનો લાભ લીધો હતો.
જૂનાગઢ જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. મહેશ વારા અને એમની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમ માટે ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી.