દ્વારકાથી દર્શન કરી પરત રાજકોટ ફરતી વેળાએ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો ગોઝારો અકસ્માત
હોળીના પર્વ પર દ્વારકાનું શ્રધ્ધાળુઓમાં અનેરૂં મહત્વ રહેલું છે ત્યારે દેશભરમાંથી દ્વારકાના દર્શનાર્થે હાલ લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા છે. આજ રોજ સવારે રાજકોટથી ચાર મિત્રો દ્વારકા દર્શનાર્થે ગયા હતાં. જ્યાંથી પરત ફરતી વેળાએ સ્ટેયરિંગનો કાબૂ ગુમાવતાં કાર પલ્ટી મારી ગઇ હતી. જેના કારણે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં રાજકોટના બે યુવાનના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. જ્યારે અન્ય બે યુવાનની હાલત ગંભીર જણાતા તેઓને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના કાલાવડ રોડ પર રહેતા લાલાભાઇ મુન્નાભાઇ બાંભવા (ઉ.વ.20) અને મોટા મવામાં રહેતા હરેશભાઇ ગંગારામ સિંધી (ઉ.વ.38) અને સાગર મુળજી તથા અજય તારાચંદ સિંધી આમ ચારેય યુવાન રાજકોટથી જી.જે.-16-એપી-8976 નંબરની સફેદ કલરની સેન્ટ્રો કારમાં દ્વારકા દર્શન કરવા ગયેલા હતાં. જ્યાંથી પરત ફરતી વેળાએ સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પોરબંદર-દ્વારકા હાઇવે વચ્ચે આવેલા કોરૂંગા ગામ નજીક પલટી મારી ગઇ હતી.
આ ગોઝારા અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો હતો. જેમાં સવાર લાલાભાઇ મુન્નાભાઇ બાંભવા અને હરેશભાઇ ગંગારામ સિંધી બંને યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. જ્યારે સાગર મુળજી અને અજય તારાચંદ સિંધીને ગંભીર હાલતમાં જામનગર જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પાવન પર્વ પર દ્વારકા દર્શન કરવા ગયેલા રાજકોટના યુવાનોના અકસ્માતમાં કમકમાટીભર્યા મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે ઘટનાની નોંધ કરી બંને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.
રાજકોટથી દ્વારકા હજ્જારો શ્રધ્ધાળુઓ દર્શન કરવા માટે જતાં હોય છે ત્યારે અનેક વખત તેઓને અકસ્માતનો સામનો પણ કરવો પડતો હોય છે. તેવી જ રીતે આજ રોજ સવારે રાજકોટથી દ્વારકા દર્શને ગયેલા લાલા બાંભવા, હરેશ સિંધી, સાગર મુળજી અને અજય સિંધી પણ દ્વારકા દર્શને ગયા હતાં. જ્યાંથી પરત ફરતી વેળાએ તેમની કાર રોડ પરથી નીચે ઉતરી જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે જુવાનજોધ યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે બે યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.