ઘરમાં ઘૂસી ત્રણ વ્યાજખોરોએ માર મારતા યુવકે રેસકોર્સમાં કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં ગાયકવાડી વિસ્તારમાં આવેલી સિંધી કોલોનીમાં રહેતા કાર લે-વેચના ધંધાર્થીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. જેમાં ગત રાત્રીના ત્રણ વ્યાજખોર યુવાનના ઘરે જઈ પઠાણી ઉઘરાણી કરી માર મારતા યુવાને રેસકોર્સમાં દવા ગટગટાવી લેતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સિંધી કોલોનીમાં ઝુલેલાલ મંદિર પાસે રહેતા અને કાર લે-વેચનું કામકાજ કરતા સમીરભાઈ નટવરલાલ તન્ના નામના 42 વર્ષીય યુવાને ગત મોડી રાત્રીના રેસકોર્સમાં ઝેરી દવા પી જતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે જાણ થતા પ્રદ્યુમન નગર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ સમીરભાઈ તન્ના કાર લે-વેચનું કામકાજ કરે છે. તેને ઉદય ચૌહાણ, દિગુભા ચૌહાણ અને જયદીપ ચૌહાણ પાસેથી પહેલા 5 ટકાના દરે રૂ.7 લાખ લીધા હતા. ત્યાર બાદ રૂ.5 લાખ રોજના રૂ.5,000ના હપ્તે લીધા હતા. જેની સિક્યુરિટી પેટે સમીરભાઈએ પોતાની બે કાર રાખી હતી.
છેલ્લા ઘણા સમયથી આ ત્રણેય વ્યાજખોરોએ સમીરભાઈ તન્ના પાસે ઉઘરાણી કરી રહ્યા છે. પરંતુ પૈસાની વ્યવસ્થા ન થતાં ઉદય ચૌહાણ, દીગુભા ચૌહાણ અને જયદીપ ચૌહાણ સમીરભાઈના ઘરે આવ્યા હતા અને પૈસાની ઉઘરાણી કરી હતી. પરંતુ સમીરભાઈ પાસે પૈસા ન હોવાથી ત્રણેય વ્યાજખોરોએ યુવાનને માર માર્યો હતો. જેથી લાગી આવ્યા બાદ સમીરભાઈ મોડી રાત્રીના રેસકોર્સમાં ઝેરી ટીકડા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.