રૂ.5,448 લાખથી વધુના ખર્ચે જિલ્લાના તમામ 3,22,732 ઘરોમાં નળ જોડાણની કામગીરી પૂર્ણ કરાઈ
પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિધાનસભામાં રાજકોટ જિલ્લામાં ’નલ સે જલ’ યોજના અંતર્ગત કરાયેલ કામગીરીની માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ’નલ સે જલ’ અંતર્ગત નિર્ધારિત લક્ષ્યાંક પહેલા જ 100 ટકા નળજોડાણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 15 ઓગષ્ટ, 2019ના રોજ ’જલ જીવન મિશન’ હેઠળ ’હર ઘર જલ’ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત દેશના તમામ નાગરિકો ને વર્ષ 2024 સુધીમાં ઘરેઘરે શુદ્ધ પેયજળ ઉપલબ્ધ કરાવવાનું નક્કી કરાયું હતું. કાર્યક્રમની શરૂઆતથી પાંચ વર્ષ સુધીમાં જિલ્લાના તમામ ઘરોમાં નળ જોડાણના નિર્ધારિત લક્ષ્યાંકની સામે જિલ્લામાં માર્ચ-2022ના અંતમાં જ 100 નળ જોડાણનો લક્ષ્યાંક સિદ્ઘ કરાયો છે.
મંત્રીએ વધુ વિગતો રજૂ કરતાં કહ્યું હતું કે, રાજકોટ જિલ્લાના ગામોમાં આંતરિક પેયજળ વ્યવસ્થા માટે 168 યોજના મંજૂર કરી રૂ. 5,448 લાખથી વધુના ખર્ચે જિલ્લાના તમામ 3,22,732 ઘરોમાં નળ જોડાણની કામગીરી પૂર્ણ કરી છે. રાજકોટના ધોરાજીમાં 02, ગોંડલમાં 28, લોધિકામાં 03, વિંછીયામાં 19, જામ કંડોરણામાં 07, જસદણમાં 36, જેતપુરમાં 04, કોટડાસાંગાણીમાં 16, પડધરીમાં 05, રાજકોટમાં 42 અને ઉપલેટામાં 06 એમ કુલ 168 યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી. યોજનાની શરૂઆતમાં નળ જોડાણ ધરાવતા ઘરોની સંખ્યા માત્ર 2.96 લાખ હતી, જેની સામે માર્ચ-2022 અંતિત જિલ્લાના તમામ 3,22,732 ઘરોમાં નળ જોડાણની કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.