માર્કેટમાં હોલમાર્કના 6 ડિજિટના  આલ્ફાન્યૂમેરિક કોડવાળા ઘરેણાંનું જ ખરીદ વેચાણ કરી શકાશે : 4 અને 6 ડિજિટના કોડની મુંઝવણ દૂર કરવા સરકારનો મહત્વનો નિર્ણય

4 અને 6 ડિજિટના હોલમાર્કની મુંઝવણ દૂર કરવા સરકારે  મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં 4 ડિજિટનો હોલમાર્ક ધરાવતા સોનાના દાગીનાના વેચાણ ઉપર 1 એપ્રિલથી પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. જેથી હવે માર્કેટમાં હોલમાર્કના 6 ડિજિટના આલ્ફાન્યૂમેરિક કોડવાળા ઘરેણાંનું જ ખરીદ વેચાણ કરી શકાશે.

કેન્દ્ર સરકારે સોનાના આભૂષણોની ખરીદી અને વેચાણ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે.  ગ્રાહક બાબતોના મંત્રાલયે કહ્યું છે કે 31 માર્ચ, 2023 પછી, 6 ડિજીટના હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન વગરના સોનાના દાગીના વેચવામાં આવશે નહીં.

મંત્રાલયે કહ્યું કે 4 અંક અને 6 અંકના હોલમાર્કિંગને લઈને ગ્રાહકોમાં રહેલી મૂંઝવણને દૂર કરવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.  નવા નિયમ હેઠળ, 1 એપ્રિલથી, ફક્ત છ અંકો સાથે આલ્ફાન્યુમેરિક હોલમાર્કિંગ માન્ય રહેશે.  આ વિના સોના અને સોનાના દાગીનાનું વેચાણ નહીં થાય.  તેમજ ચાર આંકડાનું હોલમાર્કિંગ સંપૂર્ણપણે બંધ થઈ જશે.

સોનાનું હોલમાર્કિંગ એ કિંમતી ધાતુની શુદ્ધતાનું પ્રમાણપત્ર છે.  આ 16 જૂન, 2021 સુધી સ્વૈચ્છિક રીતે લાગુ હતું.  આ પછી, સરકારે ગોલ્ડ હોલમાર્કિંગ ફરજિયાત બનાવવાનો નિર્ણય કર્યો.  પ્રથમ તબક્કામાં તેને દેશના 256 જિલ્લાઓમાં લાગુ કરવામાં આવ્યો હતો.  બીજા તબક્કામાં વધુ 32 જિલ્લા ઉમેરવામાં આવ્યા છે.  હવે તેમાં દેશના વધુ 51 જિલ્લાઓ જોડાઈ રહ્યા છે.

બીઆઇએસને પરીક્ષણ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાનો નિર્દેશ કરતા મંત્રી પિયુષ ગોયલ

ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન પીયૂષ ગોયલે શુક્રવારે બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સની પ્રવૃત્તિઓની સમીક્ષા બેઠક યોજી હતી.  આમાં તેમણે બીઆઇએસને દેશમાં પરીક્ષણ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાનો નિર્દેશ આપ્યો હતો.  આ સિવાય બીઆઇએસને પ્રોડક્ટ ટેસ્ટિંગ અને માર્કેટ સર્વેલન્સની આવર્તન વધારવા માટે કહેવામાં આવ્યું હતું. ગોયલે કહ્યું કે અમે એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે ભારતમાં તમામ ઉત્પાદનો ઉચ્ચ ગુણવત્તા અને સલામતી ધોરણોને પૂર્ણ કરે.

બીઆઇએસ પ્રમાણપત્ર પર 80 ટકા છૂટ આપશે

બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે બીઆઇએસ પ્રમાણપત્ર પર 80 ટકા છૂટ આપશે અથવા વિવિધ ઉત્પાદન પ્રમાણપત્ર યોજનાઓ માટે લઘુત્તમ માર્કિંગ ફી વસૂલશે.  આ નિર્ણય માઇક્રો સ્કેલ યુનિટ્સમાં ગુણવત્તા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે.

એચયુઆઇડી નંબર શું છે

હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન  નંબરનો ઉપયોગ ઘરેણાંની ઓળખ કરવા માટે થાય છે.  એચયુઆઇડી નંબર એ છ અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ છે.  તેની મદદથી ગ્રાહકને જ્વેલરી સંબંધિત માહિતી મળે છે.  આ સિવાય જ્વેલર્સે પણ આ માહિતી બીઆકેસ પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.