અધિક કલેકટર કેતન ઠક્કરે ધોકો પછાડ્યો
ફેટ સ્પ્રેડમાં એસિડિક વેલ્યુ વધારે નીકળી, જે પ્રોડક્ટની ગુણવતા નબળી કરી નાખે છે : આઇસ્ક્રીમમાં વધુ ફેટ લખીને હકીકતમાં ઓછા ફેટ નીકળ્યા : અધિક કલેક્ટરની કોર્ટે ઉત્પાદકથી લઈને વિક્રેતાઓ સુધીના સામે હાથ ધરી દંડનીય કાર્યવાહી
વાડીલાલના આઈસ્ક્રીમ અને ઝાયડ્સના ફેટ સ્પ્રેડની ગુણવતામાં લોલમલોલ સામે આવી છે. જેથી અધિક કલેકટર કેતન ઠક્કરે ધોકો પછાડીને ઉત્પાદકથી લઈને વિક્રેતાઓ સુધીના સામે કાર્યવાહી હાથ ધરી રૂ. 17 લાખનો દંડ ફટકાર્યો છે.
રાજકોટ નિવાસી અધિક કલેક્ટર અને એજ્યુડિકેટિંગ ઓફિસર કેતન ઠક્કરે આઈસક્રીમ બનાવતી જાણીતી કંપની વાડીલાલ અને બટર જેવું ફેટસ્પ્રેડ બનાવતી ન્યુટ્રાલાઈટ બ્રાન્ડ બનાવતી ઝાયડસ વેલનેશ લિમિટેડ અને તેના રિટેલર અને સપ્લાયરને 17.35 લાખના દંડનો હુકમ કર્યો છે.
રાજકોટમાં મરાસા હોસ્પિટાલિટીમાંથી ન્યુટ્રાલાઈટ પ્રોફેશનલ ક્રિમિલિસિયસ મિક્સ ફેટ સ્પ્રેડનો નમૂનો લેવાયો હતો. જેના રિપોર્ટમાં એસિડિક વેલ્યૂ વધારે જોવા મળી હતી. આ વેલ્યૂ વધારે થવાથી ખાદ્ય પદાર્થની ગુણવત્તા ઘટી જાય છે અને બગડી પણ જાય છે. આ કારણે ફૂડ એનાલિસ્ટે નમૂનાને સબસ્ટાન્ડર્ડ જાહેર કર્યો હતો. જેને લઈને અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ ચાલ્યો હતો જેમાં ન્યુટ્રાલાઈટ બ્રાન્ડના બટર બનાવતી કંપની ઝાયડસ વેલનેસ લિમિટેડને 5 લાખ તેમજ તેના ડિસ્ટ્રિબ્યૂટરથી માંડી રિટેલર સુધીના દંડ ફટકારી કુલ 11.50 લાખના દંડનો આદેશ કર્યો છે.
આ સાથે ધોરાજીમાં કાવેરી નામની પેઢીમાંથી વાડીલાલ બદામ કાર્નિવલ આઈસક્રીમ પેકના નમૂના લેવાયા હતા. જેના રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ 4 જ આવ્યું હતું. આઈસક્રીમ તરીકે વેચાતા કોઇપણ ખાદ્ય પદાર્થમાં ઓછામાં ઓછું 10 ફેટ હોવુ જરૂરી છે તેના કરતા ઓછા ફેટ હોય તો લેબલ પર મિડિયમ ફેટ અથવા તો લો ફેટ આઈસક્રીમ લખવું ફરજિયાત છે. તેમ ન કરીને નિર્ધારિત વેલ્યૂ કરતા ઓછા ફેટ વાપરીને ઉત્પાદન આઈસક્રીમ તરીકે વેચાતા ઉત્પાદક વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને 5 લાખનો દંડ કરાયો છે તેમજ તેના ડિસ્ટ્રિબ્યૂટર અને રિટેલરને પણ આવી કુલ 5.85 લાખનો દંડ ફટકારાયો છે.
કોને કેટલો દંડ ફટકારાયો?
ન્યુટ્રાલાઈટ ફેટ સ્પ્રેડ
- હિમાંશુકુમાર સત્યેન્દ્રસિંહ (નમૂનો આપનાર પેઢીના કર્મી)ને રૂ. 50,000નો દંડ
- મરાસા હોસ્પિટાલિટી પ્રા.લી. રાજકોટને (નમૂનો આપનાર પેઢી) રૂ. 1,00,000નો દંડ
- રમેશ ભીખાભાઈ વાઘેલા(માર્કેટિંગ પેઢીના માલિક)ને રૂ. 1,00,000નો દંડ
- કરણ પરેશભાઈ વાઘેલા(ડિસ્ટ્રીબ્યુટર પેઢીના માલિક)ને રૂ. 1,00,000નો દંડ
- ઉમાશંકર ગુપ્તા, અમદાવાદને (ઉત્પાદક પેઢીના નોમીની)રૂ. 3,00,000નો દંડ
- ઝાયડસ વેલનેશ લિમિટેડ, અમદાવાદને (ઉત્પાદક પેઢી) રૂ. 5,00,000નો દંડ
વાડીલાલ બદામ કાર્નિવલ આઈસક્રીમ
- ઘનશ્યામ અરવિંદભાઈ ગાજીપરા(નમૂના આપનાર રીટેલર)ને રૂ. 10,000નો દંડ નીતાબેન જયેશભાઈ નાદપરા(સપ્લાયર પેઢીના માલિક)ને રૂ. 25,000નો દંડ
- અર્પિત દિનેશભાઈ પરીખ (ઉત્પાદન પેઢીના નોમિની)ને રૂ.50,000નો દંડ
- વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ઉત્પાદક પેઢી)ને રૂ.5,00,000નો દંડ