ડુંગળી દર બે થી ત્રણ વર્ષે ગંધાય છે ખેડૂતોને અથવા સામાન્ય નાગરિકોને રડાવે છે: રાજકારણીઓની આંખમાં પણ ઝળઝળીયા લાવી દે છે

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ગુજરાતના રાજકારણમાં કંઇક અલગ જ પ્રકારનો રંગ અને સુગંધ ધરાવતી હોય તેવું લાગી રહ્યું છે. દર બે થી ત્રણ વર્ષ કોઇના કોઇ કારણોસર ડુંગળી ગંધાય છે. જેના કારણે ખેડૂતો અથવા ડુંગળી ખાનારી જનતાએ માઠા પરિણામ ભોગવવા પડે છે. ઓનીયન પોલીસીના અભાવે ખેડૂત, જનતા કે સરકારે હિબકે ચઢવાનો વારો આવે છે.

દર બે થી ત્રણ વર્ષ ડુંગળીના ભાવે આસમાને પહોંચી જાય છે અથવા તળીયે ખેંચી જાય છે. જેના કારણે લોકોની આંખમાંથી પાણી નિકળી જાય છે. આ વર્ષે સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડમાં ડુંગળી પાણીના ભાવે વેંચાઇ રહી છે. ખેડૂતોને ડુંગળી પકવવા અને યાર્ડ સુધી પહોંચાડ્યાનો ખર્ચ સુધ્ધા મળતો નથી. જેના કારણે ખેડૂતો ડુંગળીના પાકને પશુઓને ખવડાવી રહ્યા છે.

ગુજરાતમાં ડુંગળીનો મુદ્ો હાલ ચગી રહ્યો છે ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને એવી નિવેદન આપ્યું હતું કે ગુજરાતના ખેડૂતો ડુંગળી ફેંકી ના દે અને પોષણતમ ભાવે ડુંગળીની ખરીદી કરીશું. આ વર્ષ માત્ર ડુંગળી જ નહીં પરંતુ બટાટાના ભાવ પણ તળીયે બેસી ગયા છે. જેનાથી જગતાતની આંખમાંથી અવિરત પાણી વહી રહ્યું છે. સરકારની હાલત પણ કફોડી બની જવા પામી છે. સરકાર ડુંગળીના ટેકાના ભાવમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. હાલ તમામ યાર્ડમાં રૂા.2 થી 8માં પ્રતિ એક કિલો ડુંગળી વેંચાઇ રહી છે.

સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં એમા પણ ખાસ કરીને મહુવા પંથકમાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થઇ રહ્યું છે. ડુંગળી પકવતું મહુવા ગુજરાતના રાજકારણમાં સમયાંતરે તહેલકા મચાવી દે છે. કારણ કે થોડા વર્ષો પહેલા ડુંગળીના ભાવે સદી વટાવી દીધી હતી. જેના કારણે રાજ્ય સરકાર સામે જનતામાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. સમયાંતરે ડુંગળીના વધતા કે ઘટતા ભાવે રાજકારણને રંગ આપ્યો છે. આ વર્ષ પણ કંઇક આવો જ સિનારિયો જોવા મળી રહ્યો છે. ડુંગળીના ભાવ હાલ તળીયે છે. સ્થિતિ એવી બની છે કે ખેડૂતોને માર્કેટીંગ યાર્ડ સુધી ડુંગળી લાવવી પણ પોષાય તેમ નથી.

વર્ષોથી ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીને અનેકને હિબકે ચડાવી રહી છે. છતાં કોઇ સચોટ પગલા લેવામાં આવતા નથી. ડુંગળીની આયુષ્ય ખૂબ જ ટૂંકી હોય છે. બે પ્રકારની ડુંગળી બજારમાં આવે છે. સ્ટોરેજ પણ કરી શકાતી ન હોવાના કારણે જ્યારે બજારમાં પાકની આવક થાય ત્યારે ભાવ તળીયે બેસી જાય છે અને જ્યારે આવક બંધ થાય ત્યારે ડુંગળીના ભાવમાં ચાર થી પાંચ ગણો તોતીંગ વધારો આવી જાય છે.

ડુંગળી પકવતા ખેડૂતો અને મોટા વેપારીઓ વર્ષોથી સરકાર પાસે કોઇ સચોટ ઓનયન પોલીસી બનાવવાની માંગણી કરી રહ્યા છે. પરંતુ સરકાર પણ ડુંગળી સતત લોકો અને ખેડૂતોને રડાવવી રાળે તેવું ઇચ્છી રહી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાંથી દેશ-વિદેશમાં ડુંગળીની નિકાસ કરવામાં આવી રહી છે. ગુજરાતની ડુંગળી વિશ્ર્વભરમાં ડંકો વગાડી રહી છે. પરંતુ મહામહેનત કરી જે ખેડૂત ડુંગળી પકાવે છે. તેના ઘરમાં બે ટંકના ચૂલા પણ સળગતા નથી. ગ્રાહકો અને સરકારના છોતરા કાઢી નાંખનાર ડુંગળીએ આ વર્ષ ખેડૂતોના છોતરા કાઢી નાંખ્યા છે.

દિન-પ્રતિદિન માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ઘટી રહ્યા છે. હવે સ્થિતિ એવી થઇ છે કે યાર્ડમાં ડુંગળી લઇને આવતા ખેડૂતોને કંઇક આવક થવાના બદલે સામા પૈસા ચૂકવવા પડે છે. સ્થિતિ ઘણી નાજૂક છે. સરકારની જવાબદારીએ છે કે કોઇપણ જણસીના ખેડૂતોને પર્યાપ્ત ભાવ મળી રહે અને લોકોને બજારમાં તે જણસી વ્યાજબી ભાવે ઉપલબ્ધ થાય પરંતુ કમનસીબે આવુ થતુ નથી. ખેડૂતોને પુરતા ભાવ મળતા નથી. બીજી તરફ વચ્ચેથી દલાલો મોટી દલાલી ગળચી જતા હોવાના કારણે ઘટેલા ભાવનો લાભ ગ્રાહકોને મળતો નથી. સામાન્ય જનતાએ તો હમેંશા મુંડાવુ જ પડે છે.

ટેકાના ભાવે ખરીદી કરી સરકાર જગતાતના ઘાવ પર મલમ લગાવે છે. પરંતુ આ મલમનો ખર્ચ જનતાના ખભે જ આવે છે. વર્ષથી ડુંગળીના ભાવ સતત અસમાનતા જોવા મળી રહી છે. જેના કારણે દર વખતે ખેડૂત કે સામાન્ય જનતાએ રડવાનો વારો આવે છે. સરકાર કોઇ નક્કર કામગીરી કરતી નથી. ઓનીયન પોલીસી બનાવવામાં આવે તો બેલેન્સ જળવાય રહે અને ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે અને જનતાને પોષાય તેવા ભાવે માલ મળી રહે.

રાજકોટ યાર્ડમાં ડુંગળીનું ભાવ બાંધણુ

એક મણના 40 રૂપીયાથી નીચા ભાવે ડુંગળીની ખરીદી નહી કરી શકાય

ડુંગળીના ભાવો સતત ગગડી રહ્યા છે. ખેડૂતોને ડુંગળીને પકવવા જેટલી પણ આવક થતી નથી. સામા પૈસા આપવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીનું ભાવ બાંધણુ કરી દેવામાં આવ્યું છે. વેપારીઓએ એક મણના 40 રૂપિયાથી નીચા ભાવે ડુંગળીની ખરીદી ન કરવા તાકીદ કરવામાં આવી છે. બીજી તરફ ખેડૂતોને પણ હલકી ગુણવત્તાવાળી ડુંગળી ન લાવવા તાકીદ કરવામાં આવી છ ે. રાજ્ય સરકાર દ્વારા પણ આગામી દિવસોમાં ડુંગળી પકવતા ખેડૂતો માટે કોઇ રાહત યોજનાની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના હાલ જણાય રહી છે.

જગતના તાતને રડવાનો સમય આવ્યો : ખેડૂત

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા આવેલા ખેડૂતે જણાવ્યું હતું કે, હાલ હું 200 બોરી ડુંગળી લઈને યાર્ડ ખાતે વેચાણ અર્થે આવ્યો છું પણ ભાવ મળતો નથી. હાલ પ્રતિ મણ અમને રૂ. 60 થી 100 મળી રહ્યા છે પણ સામે પડતર કિંમત 200 રૂપિયા જેટલો છે જેના કારણે ખેડૂતને રોવાનો વારો આવ્યો છે. હાલ મોટાભાગના ખેડૂતોને ડુંગળી અને લસણમાં ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે એકમાત્ર સરકાર પાસે જ ખેડુતોની અપેક્ષા છે અન્યથા જગતના તાત પાસે આપઘાત કરવા સિવાય કોઈ રસ્તો નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, જો કોઈ નિરાકરણ ન આવે તો હવે ખેડૂત ડુંગળીનું વાવેતર નહીં કરે.

કસ્તુરીનો પ્રતિ મણે 21 રૂપિયા ભાવ મળ્યો અને ખર્ચો 25 રૂપિયા થયો !!

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં ડુંગળીના ભાવ તળિયે છે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવી રહ્યો છે. ડુંગળી વેચતા ખેડૂતોને ઉપજના રૂપિયા તો ઠીક સામા મજૂરી ખર્ચ ચૂકવવો પડી રહ્યો છે આવું જ એક ખેડૂતનું વેપારીએ બનાવેલું બિલ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. જેમાં કાલાવડ તાલુકાના ધુતારપુર ગામના ખેડૂતે 472 કિલો ડુંગળીનું વેચાણ કર્યું તો ઉપજ એક રૂપિયો મળ્યો નહીં, પરંતુ ઉલટાના વેપારીને સામે 131 રૂપિયા ચૂકવવા પડ્યા હતા.રાજકોટના જૂના માર્કટીંગ યાર્ડમાં ડુંગળી વેચવા આવેલા કાલાવડ તાલુકાના ધુતારપુર ગામના ખેડૂત જમનભાઇ કુંરજીભાઇ માઘાણીએ જણાવ્યું હતું કે ‘મારે 10 વીઘા જમીન હતી. જેમાંથી મેં કુલ 472 કિલો ડુંગળી રાજકોટના જૂના માર્કેટીંગ યાર્ડમાં મોકલી હતી.

યાર્ડમાં ડુંગળી મોકલવાનો ખર્ચ પ્રતિ મણ 25 રૂપિયા આવ્યો હતો.જે ની સામે યાર્ડમાં ડુંગળીના માત્ર 21 રૂપિયા મણના ઉપજ્યા હતા. ડુંગળી લઈ જવાના તમામ ખર્ચ બાદ કરતા કોઈ નફો તો મળ્યો નહીં , પરંતુ 131 રૂપિયા મારે વેપારીને ચૂકવવા પડ્યા હતા. ખેડૂત જમનભાઇએ કહ્યું હતું કે ડુંગળીના નફાકારક ભાવ મળ્યા નથી . તેમજ મારી સાથે સાડા ચાર મહિના જે મજૂરોએ કામ કર્યું હતું તેઓ રોતાં રોતાં ઉપજ વગર પોતાના વતન ગયા છે. આ  ડુંગળીનો ઉતરાઈ ખર્ચ રૂ.36.40 થયો હતો અને ટ્રક ભાડું રૂ. 590  ચૂકવાવનું થયું હતું.  ડુંગળી વેચતા નફો કે મૂળ રકમ તો ન મળી પરંતુ  સામે પૈસા ચૂકવવાના થતા દશા કફોડી થઈ  ગઈ હતી.

ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતોના વ્યવહાર અટકી ગયા છે:દિલીપ સખિયા

આ અંગે કિસાન સંઘના આગેવાન દિલીપ સખિયાએ કહ્યું હતું કે જ્યારે ચાર મહિના પછી ખેડૂત ડુંગળી લઇને માર્કેટીંગ યાર્ડ આવે છે ચાર મહિના સુધી જંતુનાશક દવા, બિયારણ, મજૂરી, ટ્રાન્સપોર્ટેશન વગેરેના ખર્ચ થાય છે ત્યારે તેની ઉપજ પણ મળતી નથી. આ ભાવ રહે તો ખેડૂતો પોતાનું ગુજરાન કઇ રીતે ચલાવશે તે સવાલ છે. કિસાન સંઘે દાવો કર્યો હતો કે આ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે વાત થઇ છે તેઓ આ અંગે પણ ચિતિંત હોવાનો દાવો કર્યો છે. ખેડૂત આગેવાન તરીકે સરકાર આ દિશામાં નક્કર આયોજન કરે તેવી માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.