સાગર સંઘાણી
હાલ તહેવારો નજીક આવતા રાજયનું આરોગ્ય તંત્ર વધુ એલર્ટ થઈ ગયું છે કે કોઈ પણ જગ્યાએ લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય ત્યારે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા હોળી- ધુળેટી ના તહેવારને લઈને ચેકિંગ કરવામાં આવ્યું હતું. જામનગરના સત્યનારાયણ મંદિર રોડ પર આવેલા પતાસા બનાવવાના એક કારખાના પર દરોડો પાડયો હતો, અને ત્યાંથી પતાસાને લગતા જરૂરી સેમ્પલો લેવામાં આવ્યા છે.
જામનગરના સત્યનારાયણ મંદિર રોડ પર જગડના ડેલામાં ધીરજલાલ ભગવાનદાસ નામના વેપારી દ્વારા પતાસા બનાવવા નું કારખાનું ચલાવવામાં આવી રહ્યું છે, અને ત્યાં પતાસા તૈયાર થઈ રહ્યા છે. જેની જાણકારી મળતાં આજે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા પહોંચી જઈ દરોડો પાડવામાં આવ્યો હતો.
જયાંથી તૈયાર પતાસાના સેમ્પલો તેમજ તેમાં ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુ વગેરેના સેમ્પલો લેવામાં આવ્યા છે, અને લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે. તેમજ સાફ સફાઈ અંગેના જરૂરી સુચનો પણ કરવામાં આવ્યા છે.