છોટાઉદેપુર, મોડાસા, બોટાદ, લુણાવાડા, વેરાવળ અને કડાણા મળીને કુલ સાત સરકારી ગ્રંથાલય કોમ્પ્યુટરાઈઝ્ડ પણ કરાયા
રાજ્યના વિદ્યાર્થીઓ ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દીના ઘડતર સાથે સ્પર્ધાત્મક પરીક્ષા માટે માહિતી મેળવી શકે તે માટે તમામ તાલુકા મથકોએ નવા ગ્રંથાલય ઉભા કરવામાં આવશે. તેવી પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુ બેરાએ જાહેરાત કરી છે.
વિધાનસભામાં રાજ્યમાં સાર્વજનિક ગ્રંથાલયોમાં કોમ્પ્યુટ રાઈઝેશનની સેવાઓના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં છોટાઉદેપુર, મોડાસા, બોટાદ, લુણાવાડા, વેરાવળ અને કડાણા મળીને કુલ સાત સરકારી ગ્રંથાલય કોમ્પ્યુટ રાઈઝ્ડ કરાયા છે. કોમ્પ્યુટરાઈઝેશન થવાથી પુસ્તકોની લેવલ-દેવડમાં સરળતા રહે છે. પુસ્તકો શોધવામાં વર્ગીકરણમાં સૂચિકરણમાં નોંધણી અને ડેટા એન્ટ્રી પ્રક્રિયા વધુ સરળ બને છે જેના પરિણામે કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થયો છે.મંત્રી મુળુભાઈએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં પાંચ કરોડના ખર્ચે 5 સ્માર્ટ ગ્રંથલાયો કાર્યરત કરાયા છે અને આગામી સમયમાં નવા ત્રણ સ્માર્ટ ગ્રંથોનું નિર્માણ કરાશે.
આ સ્માર્ટ ગ્રંથાલયમાં ઓડિયો વીડિયોની સુવિધા, સીસીટીવી કેમેરા, અધ્યતન આઈડીની સુવિધા સહિત અધ્યતન બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, રાજ્યના યુવાઓ-વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે માર્ગદર્શન મળી રહે તે માટે કાર્યરત જિલ્લા-તાલુકા મથકે ગ્રંથાલાયો પાસે પૂરતું સાહિત્ય ઉપલબ્ધ છે. તેમજ વિદ્યાર્થીઓ આ ગ્રંથાલયમાં વાંચી શકે છે તે માટે સવારે 7.00થી રાત્રિના 12.00 વાગ્યા સુધીની સુવિધાઓ આપવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.