ભારતમાં અથવા વિદેશમાં ઝેડ પલ્સ સુરક્ષાનો સમગ્ર ખર્ચ અંબાણી પરિવાર ઉઠાવશે : સુપ્રીમ કોર્ટ
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને સર્વોચ્ચ સ્તરનું ઝેડ પલ્સ સુરક્ષા આપવાનો સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે. વિશ્વભરમાં તેમને આ સુરક્ષા પરી પાડવામાં આવશે. ઉપરાંત કોર્ટે કહ્યું કે, ભારતમાં અથવા વિદેશમાં ઝેડ પલ્સ સુરક્ષા આપવાનો સમગ્ર ખર્ચ તેઓ ઉઠાવશે. જસ્ટિસ કૃષ્ણ મુરારી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે જણાવ્યું કે, જ્યારે મુકેશ અંબાણી અને તેમનો પરિવાર ભારતની અંદર હોય ત્યારે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી મહારાષ્ટ્ર રાજ્ય અને ગૃહ મંત્રાલયેની છે, જ્યારે તેઓ વિદેશ પ્રવાસ કરી રહ્યા હોય ત્યારે અંબાણી પરિવારની સુરક્ષા ગૃહ મંત્રાલય સુનિશ્ચિત કરશે.
ખંડપીઠે નોંધ્યું કે, અંબાણી પરિવારને અપાતી સુરક્ષાનો મુદ્દો દેશના વિવિધ ભાગોમાં મુકદમાના વિષય સાથેનો છે. ખંડપીઠે વિવાદોને શાંત પાડવા માટે વર્તમાન આદેશ પસાર કર્યો. ખંડપીઠે આ આદેશ વિકાસ સાહા નામની વ્યક્તિ વતી દાખલ કરેલી અરજીમાં આપ્યો હતો. અરજીમાં ત્રિપુરા હાઈકોર્ટના વચગાળાના આદેશને પડકારવામાં આવ્યો હતો. આ આદેશમાં ગૃહ મંત્રાલયને મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અંબાણી અને તેમના બાળકો આકાશ, અનંત અને ઈશાના સંબંધમાં ધમકીની સંભાવના અંગેની અસલ ફાઈલો રજૂ કરવાનો નિર્દેશ અપાયો હતો. હાઈકોર્ટે નિર્દેશ આપ્યો હતો કે ગૃહ મંત્રાલયના અધિકારીએ સીલબંધ કવરમાં સંબંધિત ફાઈલો સાથે ૨૮ જૂન-૨૦૨૨ના રોજ તેમની સમક્ષ હાજર રહેવું જોઈએ.
જૂન ૨૦૨૨માં જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જેબી પારડીવાલાની બનેલી સુપ્રીમ કોર્ટની વેકેશન ખંડપીઠે ફાઈલો રજુ કરવા માટે હાઇકોર્ટ દ્વારા અપાયેલા આદેશો પર સ્ટે મૂક્યો હતો. ૨૨ જુલાઈ-૨૦૨૨ના રોજ સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે પોતાની તેમજ ત્રિપુરા હાઈકોર્ટ સમક્ષની અરજીને બંધ કરવાનું યોગ્ય માન્યું હતું. કોર્ટ દ્વારા તે પિટિશન બંધ કરાઈ, જેમાં કેન્દ્ર સરકારે અંબાણી પરિવારને પોતાના ખર્ચે પર્યાપ્ત સુરક્ષા આપવાનો નિર્દેશ કર્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા અંબાણી પરિવારને આપવામાં આવેલી સુરક્ષાને એક પીઆઇએલ દ્વારા ત્રિપુરા હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. જેથી સુરક્ષાના બચાવમાં કેન્દ્ર સરકારે સુપ્રીમમાં અપીલ કરી હતી. તે સમયે સુપ્રીમ કોર્ટે ત્રિપુરા હાઇકોર્ટના આદેશો પર સ્ટે મુકી દીધો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે એવી દલીલ કરી હતી કે આ સુરક્ષા કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્ર સરકારની ભલામણોના આધારે આપવામાં આવી હતી, તેથી આ સમગ્ર મામલો કેન્દ્ર સરકાર હસ્તકનો હોવાથી ત્રિપુરા સરકાર કે હાઇકોર્ટ સાથે નથી સંકળાયેલો માટે તેની સુનાવણી હાઇકોર્ટ ન કરી શકે.
ઉલ્લેખનિય છે કે, ત્રિપુરા હાઇકોર્ટમાં પીઆઇએલ થઇ હતી, જેને પગલે ત્રિપુરા હાઇકોર્ટે કેન્દ્ર સરકાર પાસે ડોક્યુમેન્ટ્સ સાથે જવાબ માગ્યો હતો. પરીણામે કેન્દ્ર સરકાર સુપ્રીમમાં ગઇ હતી. કેન્દ્ર વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે પીઆઇએલ અંગે વધુ સુનાવણી હાઇકોર્ટ ન કરે તેથી તેના પર પણ સુપ્રીમ કોર્ટે સ્ટે આપવો જોઇએ. જેથી સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે સ્ટે આપી દીધો છે તેથી હવે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની જરુર નહીં રહે, આવી કોઇ જરુરિયાત ઉભી થાય તો પણ અમે સુનાવણી કરવા માટે તૈયાર છીએ.