21 કીમીની હાફ મેરેથોન અને 10 કીમી ડ્રીમ રન એમ બે કેટેગરીમાં દોડવીરો ભાગ લેશે: વિજેતાઓને મેઇલ-ફી મેઇલની વિવિધ કેટેગરીઓ મુજબ રૂ.7 લાખથી વધુના ઇનામો અપાશે
રાજકોટ રનર્સ એસોસીએશન અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસીએશનના સંયુકત ઉપક્રમે સૌરાષ્ટ્રમાં પ્રથમ વાર ડ્રગ્સના સેવન વિરુદ્ધ જાગરૂકતા લાવવાના શુભ આશય સાથે તા.25 માર્ચના રોજ રાજકોટમાં નાઇટ હાફ મેરેથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના મુખ્ય આયોજક રાજકોટ રનર્સ એસોસીએશને ગુજરાત અને દેશમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત એલીટ લોકોનું ગ્રુપ છે. જેઓ રાજકોટ અને દેશમાં રમત-ગમત અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવવા વિવિધ ઇવેન્ટ અને કાર્યક્રમોના આયોજનો સમયાંતરે કરતા રહે છે.
આ અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપતા રાજકોટ રનર્સ એસોસીએશનના સેક્રેટરી ડો.દેવેન્દ્ર રાખોલીયાએ જણાવ્યું હતું કે રાજકોટમાં નાઇટ હાફ મેરેથોનનું આયોજન સૌરાષ્ટ્રમાં કદાચ પ્રથમવાર થવા જઈ રહ્યું છે. અમારી અપેક્ષા 10,000 લોકો આ ઇવેન્ટમાં ભાગ લે તેવી છે અને તે માટે અમે દેશના વિવિધ રનર્સ કલબ અને ગ્રુપનો સંપર્ક કરી રહ્યા છીએ. ઉપરાંત વિવિધ માધ્યમો થકી લોકોને આ ઇવેન્ટ વિશે જાણ થશે તો આ યુનિક ઇવેન્ટમાં ભાગ લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવી અમને આશા છે. આ હાફ મેરેથોન સાથે ફન રન રાખવામાં આવી નથી તેથી મીનીમમ 10 કી.મી.ની ડ્રીમ રન રહેશે. આમા ભાગ લેવા 14 વર્ષથી મોટી ઉમરના શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, યુવાઓ અને તમામ ફિલ્ડના રનર્સ ભાગ લઈ શકશે.
આ હાફ મેરેથોનના અન્ય આયોજક સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતાએ જણાવ્યું હતું કે આ નાઇટ હાફ મેરેથોન રાજકોટ જ નઈ પરંતુ સૌરાષ્ટ્રમાં પ્રથમવાર થવા જઈ રહી છે એટલે તેનો ઉત્સાહ કંઇક અલગ જ છે. રાજકોટની ઉત્સવપ્રિય જનતા હંમેશા, લોકમેળો હોય કે સાયકલોન કે મેરેથોન હોય તેને પુરા દિલથી માણે છે, તેથી આ યુનિક ઇવેન્ટમાં પણ લોકો એટલા જ ઉત્સાહ અને ઉમંગથી જોડાશે તેવી અમને આશા છે. આ હાફ મેરેથોન 21 કીમી અને ડ્રીમ રન 10 કીમીની રહેશે.
જે રેસકોર્ષથી શરુ કરી રૈયા રોડ થઈ બીઆરટીએસ રુટ પર થઈ પરત રેસકોર્ષમાં આવશે. આ મેરેથોન અન્ય મોટી મેરેથોનના ધારાધોરણ અનુસાર જ યોજાશે. જેથી અહીં નોંધાયેલા રેકોર્ડસ દેશની અન્ય મેરેથોનમાં પણ માન્ય ગણાશે. દરેક સ્પર્ધકને ટી-શર્ટ અને આર.એફ.આઇ.ડી. સહીતની કીટ અપાશે. આર.એફ.આઇ.ડી.દ્વારા દરેક સપર્ધકનું રીયલ ટાઇમ મોનીટરીંગ અને તેના સ્ટાર્ટ અને એન્ડ ટાઇમીંગ ચોક્કસ પણે કોમ્પ્યુટર સિસ્ટમમાં આવી જશે. જેથી હાફ મેરેથોનની પૂર્ણહુતી સમયે વિજેતાઓ તુરંત જ નક્કી કરી શકાશે. વિજેતાઓને મેઇલ-ફીમેઇલની વિવિધ ઉમર મુજબની કેટેગરીઓ અનુસાર રૂ.7 લાખથી વધુના ઇનામો અપાશે.
આ નાઇટ હાફ મેરેથોનના અયોજનને સફળ બનાવવા રાજકોટ રનર્સ એસોસીએશનના પ્રમુખ ડો.અજીતસિંહ વાઢેર, સેક્રેટરી ડો. દેવેન્દ્ર રાખોલીયા, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા, મહામંત્રી પરિમલભાઈ પરડવા મહામંત્રી પુસ્કરભાઇ રાવલ, પૂર્વ જીલ્લા પ્રમુખ અજયભાઈ પટેલ, ઝોન ઉપપ્રમુખ સુદીપભાઇ મેહતા, શ્રીકાંત તન્ના, રાજકોટ રનર્સ એસોસીએશનના પુનિતભાઇ કોટક, ડો. દિપ્તી મહેતા, રવિભાઇ ગણાત્રા, સનતભાઇ માખેચા, દિપેનભાઇ પટેલ અને મેહુલભાઇ નથવાણીના માર્ગદર્શનમાં રનર્સ એસોસીએશન, શાળા સંચાલક મંડળ ઉપરાંત રાજકોટની વિવિધ સ્વયંસેવી સંસ્થાઓના વોલીયનટર્સ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
સ્પર્ધાના બે દિવસ પૂર્વ રેસકોર્સમાં એક્સપો યોજાશે
આ સ્પર્ધાનું પ્રોફેશનલ મેનેજમેન્ટ દેશના જાણીતા ડો. રાહુલ શર્મા સ્થાપિત સાઇરન્સ, ફીટનેસ ફોર ઓલ કંપની દ્વારા કરવામાં આવશે. આ સ્પર્ધાના મુખ્ય પ્લેટીનમ સ્પોન્સર તરીકે ડો. નિતિન લાલ સંચાલીત મનન ઇન્સ્ટીટયુટ ફોર ફર્ટીલીટી મેનેજમેન્ટ એન્ડ ટેસ્ટ ટયુબ બેબી સેન્ટર રહેશે. સ્પર્ધાના બે દિવસ પહેલા રાજકોટમાં દેશભરમાંથી આવેલી નામી કંપનીઓ દ્વારા રેસકોર્ષ મેદાનમાં બે દિવસીય એકસપોનું આયોજન કરાશે. જેમાં રનર્સને લગતી, રમત-ગમતને લગતા, હેલ્થ અવેરનેસ અને બોડી કેરને લગતી વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરાશે.
અહીં લોકોને દેશ અને દુનિયામાં સ્પોર્ટસ અને રનર્સ માટે કેવી નવી પ્રોડકટસ ઉપલબ્ધ છે તેની જાણકારી મળી શકશે. આ એકસપો દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના પણ આયોજન થશે. હાફ મેરેથોન દરમિયાન દર બે કીમી ના અંતરે સ્પર્ધકો માટે હાઇડ્રેશન કાઉન્ટર રખાશે અને તેમનો ઉત્સાહ વધારવા માટે શહેરની શાળાના બાળકો દ્વારા ચિયરીંગ સ્ટેજ પણ ઉભા કરાશે, ઓન રૂટ મેડીકલ ફેસેલીટી હાજર રખાશે, તેમજ વોલીયન્ટર્સ પણ આખા રૂટ પર તૈનાત રહેશે, જેથી સ્પર્ધકોને ગાઇડ કરી શકાય.