દેણું વધી જતાં જુદી જુદી ચાર પેઢીની ચાંદી લેણદારોને ચુકવી દીધી: ક્રાઇમ બ્રાન્ચ અને થોરાળા પોલીસે ગણતરીની કલાકોમાં જ ચોરીના તરકટનો કર્યો પર્દાફાશ
ચોરીની ઘટના શંકા સ્પદ જણાતા ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર સહિતના સ્ટાફની પૂછપરછમાં યુવક ભાંગી પડયો
શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ચુનારાવાડ વિસ્તારમાં 36 કિલો ચાંદીની ચોરી થયાની પોલીસમાં જાહેરાત થયાની ગણતરીની કલાકોમાં સમગ્ર ઘટના પરથી પોલીસે પર્દાફાસ કરી યુવક પર દેણું થઇ જતાં ચોરીનું તરકટ રચી પોલીસને ધંધે લગાડ્યાનો ઘટસ્ફોટ કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચુનારાવાડ શેરી નંબર 1માં રહેતા અને ચાંદીકામ કરતા અમિત રમેશભાઇ રાઠોડ નામના 30 વર્ષના ચુનારા યુવાને સવારે પોલીસ કંટ્રોલ રુમમાં પોતાના મકાનમાંથી રાત્રી દરમિયાન ચોરી થયાની જાણ કરી હતી. માતબાર રકમની ચાંદીની થયેલી ચોરીના બનાવના પગલે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 સજજનસિંહ પરમાર, પી.આઇ. વાય.બી.જાડેજા, બી.ટી.ગોહિલ, એલ.એલ.ચાવડા, થોરાળા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. ગઢવી અને વિક્રમભાઇ લોખિલ સહિતના સ્ટાફ ચુનારાવાડમાં દોડી ગયા હતા.
36 કિલો ચાંદી કયાંથી આવી હતી અને કંઇ રીતે તે અન્ય સ્થળે પહોચાડતો, કંઇ રીતે ચોરી થઇ તે અંગે પોલીસ દ્વારા ઉંડાણ પૂર્વક પૂછપરછ કરતા ચોરીની ઘટના શંકાસ્પદ જણાય હતી. 36 કિલો ચાંદી ઉચકીને મકાનની બહાર તસ્કર કંઇ રીતે નીકળ્યો તે અંગે કેટલાક શંકાસ્પદ મુદાને ધ્યાને રાખી પોલીસે પૂછપછ જારી રાખી હતી. આમ છતાં અમિત ચુનારા પોતાના મકાનમાં રાત્રી દરમિયન 36 કિલો ચાંદીની ચોરી થઇ છે. તે વાતને વળગી રહ્યો હતો. પરંતુ પોલીસ દ્વારા કુન્હે પૂર્વક કરેલી પૂછપરછમાં પોતાના પર મોટી રકમનું દેણું થઇ જતાં જુદી જુદી ચાર પેઢીમાંથી લાવવામાં આવેલું ચાંદી પોતાના લેણદારોને આપી દેણું ઉતારી લીધું હતુ ત્યાર બાદ ચારેય પેઢીને ચાંદી પાછુ આપવુ ન પડે તે માટે ચાંદીની ચોરી થયાની ખોટી સ્ટોરી ઉભી કરી હોવાની કબુલાત આપતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો.
અમિત ચુનારાના લેણદારો પૈકી તેની સાસુ પણ મોટી રકમ માગતી હોવાથી દેણું ચુકવવુ પડે તેમ હતું. તેમજ અન્ય લેણદારો દ્વારા પણ સતત ઉઘરાણી કરવામાં આવતી હોવાથી પોતાના મકાનમાં ચોરી થયાનું તરકટ રચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અમિત ચુનારાએ 36 કિલો ચાંદી કોને આપી તે રીકવર કરવા પોલીસ દ્વારા સઘન તપાસ હાથધરવામાં આવી છે.
શહેર પોલીસની કેટલાક સમયથી એક પછી એક પડકાર સમાન ઘટનાનો સામનો કરી રહ્યા છે. ત્યાં 36 કિલો ચાંદીની ચોરીની ઘટના પ્રકાશમાં આવતા થોડીવાર માટે પોલીસમાં દોડધામ થઇ ગઇ હતી પરંતુ સદનશીબે આવી ચોરીની ઘટના ન બની હોવાનું માત્ર લેણદારોથી બચવા માટે આવું ખોટુ તરકટ રચ્યાનું બહાર આવતા પોલીસને રાહતનો શ્ર્વાસ લીધો છે.