જામનગરમાં એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને લાખોના મુદ્દામાલ સાથે ૬ પત્તા પ્રેમીને પકડી પાડયા હતા. જ્યારે મકાનમાલિક ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે. અન્ય જુગારના બે દરોડામાં એક મહિલા સહિત પાંચને પોલીસે દબોચ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગરમાં મથુરા નગર વિસ્તારની છે જ્યાં રહેતા ભીમસીભાઈ ગોવાભાઇ કરમુરના રહેણાંક મકાનમાં જુગાર ધામ ધમધમી રહ્યું હતું તેવી બાતમીના આધારે સીટી સી. ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો.
ગંજીપાના વડે હાર જીતનો જુગાર રમી રહેલા નિલેશ નારણભાઈ કરમુર, પ્રવીણ ધરમશીભાઈ કણજારીયા, ચેતન ગગજીભાઈ પરમાર, ભીખાભાઈ ભાણજીભાઈ લાખાણી, કરણભાઈ મનસુખભાઈ સીતાપરા, અને પરેશ ચંદુભાઈ આરઠીયાની અટકાયત કરી લીધી હતી, અને તેઓ પાસેથી રૂપિયા ૨.૨૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસના દરોડા સમયે મકાન માલિક ભીમશી કરમુર ભાગી છુટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ કરી છે.
જામનગરમાં જ બીજી જગ્યાએ પણ પત્તાપ્રેમીને પકડી પાડયા !!
જામનગરમાં જુગાર અંગેનો બીજો દરોડો દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૪ માં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ગંજી પાના વડે જુગાર રમી રહેલી ઈશ્વરીબેન સુરેશભાઈ ટેકાણી, તેમજ ખીમજીભાઇ લીલાધર મંગે અને નંદલાલ ટેલુમલ સિંધી લોહાણા ની પોલીસે અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૧૦,૩૦૦ ની રોકડ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જામનગરમાં જ ત્રીજી જગ્યાએ જુગારધામ પર દરોડો !!
જુગાર અંગેનો ત્રીજો દરોડો નવાગામ ઘેડ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ચલણી સિક્કા ઉછાળી જુગાર રમી રહેલા રવિ મગનભાઈ ચૌહાણ, નરેન્દ્ર મનજીભાઈ વાઘેલા નામના બે શખ્સોની અટકાયત કરી છે, ત્યારે ફિરોજ ઉર્ફે ફીરિયો જુમાભાઇ નામનો શખ્સ ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે.