રોકાણકારો એકી સાથે બહાર જવાનું મન બનાવે ત્યારે કોઈ પણ કંપનીના અસ્તિત્વ ઉપર જોખમ મંડરાય છે, હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપે આ જોખમને નજીકથી જોયું, ગ્રુપ હવે આવનારા સમયમાં છાશ ફૂંકીને પગલાં ભરે તેવી સ્થિતિ સર્જાશે
રિસ્ક હૈ…તો ઇશ્ક હૈ… આ વાક્ય કોઈ પણ ધંધાને પણ લાગુ પડે છે. ભારતના ખ્યાતનામ બિઝનેશમેન ગૌતમ અદાણીએ મોટા રિસ્ક લઈને જ પોતાનું સામ્રાજ્ય ઉભું કર્યું. પણ હિંડનબર્ગના એક રિપોર્ટે તેને મળતું ફન્ડિંગ પાછું ખેંચાવી લેતા નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અત્યારે તો સ્થિતિ એવી છે કે અદાણીને ક્રેડિટ દેવામાં બેંકો સાવચેતી રાખી રહ્યા છે. પણ જો આ કપરા સમયમાં અદાણી બહાર આવી જાય છે તો આવનારા સમયમાં હજુ પણ નવી સિદ્ધિઓ હાંસલ કરી શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે.
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની વાર્ષિક સમીક્ષા કરી રહેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નેતૃત્વ હેઠળની ધિરાણકર્તાએ ગૌતમ અદાણીની ફ્લેગશિપ કંપનીને મંજૂર કરાયેલ ક્રેડિટ મર્યાદા પર યથાસ્થિતિ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.
સમીક્ષા એ કંપનીની કામગીરીનું મૂલ્યાંકન કરવા અને લોન પર મૂડીની ફાળવણી કરવા માટે ધિરાણકર્તાઓ દ્વારા હાથ ધરવામાં આવતી વાર્ષિક કવાયતનો એક ભાગ છે. ધિરાણકર્તાઓએ ઉત્તરોત્તર એઆઈએલની ધિરાણ મર્યાદામાં વધારો કર્યો છે પરંતુ આ એક અપવાદરૂપ વર્ષ છે કારણ કે અદાણી જૂથ ભંડોળની જરૂરિયાતોનું પુન:મૂલ્યાંકન કરી રહ્યું છે.
એઆઈએલએ રૂ. 13,900 કરોડનું દેવું રેટ કર્યું છે. ગયા વર્ષે ઑક્ટોબરના મધ્યમાં બહાર પાડવામાં આવેલા કેર રેટિંગ્સ રિપોર્ટ અનુસાર, તેમાં ફંડ-આધારિત અને નોન-ફંડ-આધારિત લોનનો સમાવેશ થાય છે. એક ધિરાણકર્તાએ જણાવ્યું હતું કે તેની પાસે લગભગ રૂ. 2,000 કરોડની વર્કિંગ કેપિટલ લોન પણ છે, જેમાં મોટા ભાગના કોમર્શિયલ પેપર્સનો સમાવેશ થાય છે.
એસબીઆઈ, જેની પાસે અદાણી એન્ટરપ્રાઈઝનું સૌથી વધુ રૂ. 4,000 કરોડનું એક્સ્પોઝર છે, તેણે જાન્યુઆરીમાં સમીક્ષા પૂર્ણ કરી હતી.
એક બેંક અધિકારીએ જણાવ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઇઝિસની સમીક્ષા જાન્યુઆરીમાં થવાની હતી અને તે હિન્ડેનબર્ગ રિસર્ચ રિપોર્ટ સાથે સુસંગત છે, જેમાં શેરની હેરાફેરી અને મની લોન્ડરિંગનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અદાણી જૂથ, જેણે આરોપોને નકારી કાઢ્યા છે.
અદાણી હવે આ કપરા સમયમાંથી પસાર થાય તો વધુ મજબૂત થઈને વૈશ્વિક કક્ષાએ ઉભરશે!
હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપને અનેકવિધ નુકસાન સહન કરવા પડ્યા છે. તેમ છતાં ગૌતમ અદાણીના નેતૃત્વમાં તેમનું ગ્રુપ અત્યારે પડકારો ઝીલી ફરી બેઠા થવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ અદાણી જો હવે આ કપરા સમયમાંથી પસાર થાય તો વધુ મજબૂત થઈને વૈશ્વિક કક્ષાએ ઉભરશે. કારણકે અદાણી જો આ મુશ્કેલ સમયમાંથી બહાર નીકળશે તો ચોક્કસ તે રોકાણકારોનો વિશ્વાસ જીતશે.
રોકાણકારોના 12 લાખ કરોડ ધોવાયા
અદાણી ગ્રુપની કંપનીઓએ રોકાણકારોને મોટો ઝટકો આપ્યો છે. ગઈકાલે અદાણી ગ્રૂપની 10 લિસ્ટેડ કંપનીઓમાંથી 9ના શેરમાં ઘટાડો થયો હતો. રોકાણકારો દ્વારા વેચવાલીને કારણે, જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝના શેર 9% ઘટ્યા હતા. આ ઘટાડાનો અર્થ એ થયો કે 24 જાન્યુઆરીના રોજ અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની તમામ કંપનીઓને કુલ રૂ. 12,37,891.56 કરોડનું નુકસાન થયું છે.