લીંબડી પાસે બોડિયાના પાટિયા નજીક કાર ડીવાઈડર સાથે અથડાતા સર્જાઈ કરુણાંતિકા: બે અધિકારીને ઇજા
રાજકોટમાં સિંચાઇ વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા યુવાનને ચાર દિવસ પહેલા લીંબડી નજીક બોડિયાના પાટિયા પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં ડ્રાઈવરે સારવારમાં દમ તોડતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ગાંધીનગરથી પરત ફરતી વેળાએ કાર ડીવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે અધિકારીને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં મવડી મેઇન રોડ પર નવલનગર -11માં રહેતા અને ચાર વર્ષથી સિંચાઇ વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રભાઇ મેરામભાઈ ડાભી નામના 35 વર્ષીય યુવાનનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. આ અંગે ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક જીતેન્દ્રભાઇ ડાભી ચાર વર્ષથી સિંચાઇ વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા. ગત તા.23મી ફેબ્રુઆરીના રોજ જીતેન્દ્રભાઇ બે અધિકારી સાથે ગાંધીનગર ગયા હતા. જ્યાંથી પરત ફરતી વેળાએ લીંબડી અને સાયલા વચ્ચે બોડિયા ગામના પાટિયા નજીક કાર ડીવાઈડર સાથે અથડાતા જીતેન્દ્રભાઇને ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે કારમાં સવાર બંને અધિકારીઓને સામાન્ય ઇજા થઇ હતી.
અકસ્માતમાં ઘવાયેલા જીતેન્દ્રભાઇ ડાભીને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગર બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં લાંબી સારવાર બાદ યુવકે સારવારમાં દમ તોડતા પરિવારમાં આક્રંદ છવાયો છે. મૃતક જીતેન્દ્રભાઇ 3 ભાઈ અને 3 બહેનમાં નાના હોવાનું અને તેમના કરુણ મોતથી એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી હોવાનું સામે આવ્યું છે.