આગવી પહેલ, આગવું ગુજરાત

આગામી સમયમાં કેન્દ્ર દ્વારા અન્ય રાજ્યોમાં નારી  અદાલતોનું થશે અમલીકરણ: મહિલાઓને કાયદાકીય રક્ષણ પૂરું પાડવા 270 નારી અદાલતો કાર્યરત

રાજકોટ જિલ્લામાં કોર્ટ કચેરીઓ વિના સ્થાનિક સ્તરે મહિલાઓને ન્યાય અપાવવા નારી અદાલતની નેત્રદિપક કામગીરી : વર્ષ 2020-21માં 300થી વધુ કેસોનું નિરાકરણ

સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના ધ્યેયમંત્ર સાથે ગુજરાત રાજ્ય નાગરીકોના ઉત્થાન માટે હંમેશા આગવી વિચારધારા સાથે કામગીરી કરી રહ્યું છે. અને તેના જ કારણે આજે ગુજરાત રાજ્ય અનેક બાબતોમાં રોલ મોડલ બનીને ભારત દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણા સ્ત્રોત બન્યું છે. ગુજરાત સરકારનો આવો જ એક કલ્યાણકારી વિચાર વટવૃક્ષ બનીને ટુંક સમયમાં સમગ્ર ભારત દેશ માટે રોલ મોડલ બનવા જઈ રહ્યો છે. આ વિચાર છે નારી અદાલત. મહિલાઓ માટે મહિલાઓ દ્વારા સંચાલીત કાયદાકીય રક્ષણ આપતી સંસ્થા એટલે નારી અદાલત. ગુજરાત રાજ્યમાં કાર્યરત આશરે 270 જેટલી નારી અદાલતની સફળતા જોઈને કેન્દ્ર સરકાર દ્વારા આવનાર સમયમાં અન્ય રાજ્યોમાં નારી અદાલતનું અમલીકરણ હાથ ધરવામાં આવશે.

મહિલાઓને પોલીસ સ્ટેશન અને કોર્ટ કચેરીઓના પગથિયાં ચડવા ન પડે, સ્થાનિક સ્તરે જ સમાધાનકારી પ્રક્રિયા વડે રક્ષણ અને ન્યાય મેળવવાની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી થાય અને ગરીબ-તરછોડાયેલી મહિલાઓ પોતાની સાથે થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવી શકે તે હેતુસર ગુજરાત રાજ્ય મહિલા આયોગના નેજા હેઠળ નારી અદાલતની શરૂઆત કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં નારી અદાલતની કામગીરી વિશે જાણકારી આપતાં જિલ્લા કો-ઓર્ડીનેટર ખ્યાતિબેન ભટ્ટે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 1 જાન્યુઆરી, 2015ના રોજથી  નારી અદાલતની શરૂઆત થઈ હતી. રાજકોટના 11 તાલુકા અને રાજકોટ સિટીમાં 2 સહિત કુલ 13 નારી અદાલતો શરૂ છે. જેમાં મહિલાઓને કાયદાકીય રક્ષણ પૂરું પાડી અને કાયદાકીય સમજ આપીને મહિલાઓને શારિરીક ત્રાસ, બહુપત્નિત્વ, છુટાછેડા, ભરણ પોષણ, અનૈતિક સંબંધ, દહેજ, મિલ્કત, બાળ કસ્ટડી, વહેમ શંકા, સ્ત્રીધન, છેતરપીંડી સહિતના કેસમાં મહિલાઓને નારી અદાલત હેઠળ રક્ષણ અપાવવામાં આવે છે. વર્ષ 2020-21માં રાજકોટ જિલ્લામાં 395 કેસ નોંધાયા હતા. જેમાં મોટાભાગના કેસનું સુખદ નિરાકરણ આવ્યું હતું.

નારી અદાલતના વિચારબીજ વિશે જણાવતાં  ખ્યાતિબેન ભટ્ટે કહયું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડપ્રધાન નરેન્દ્રભાઈના કાર્યકાળમાં મહિલા બાળ અને વિકાસ મંત્રી તરીકે કામગીરી સંભાળતા આનંદીબેન પટેલના ધ્યાને આવ્યું હતું કે, ગુજરાતના અમુક જિલ્લાઓમાં “મહિલા સામખ્ય” હેઠળ મહિલાઓ અન્ય મહિલાઓના સામજિક વિકાસ સાથે મહિલાઓમાં કાયદાકીય જાગૃતિ માટેની વિશિષ્ટ કામગીરી કરી રહી હતી.

મહિલાઓની આ ઉમદા કામગીરીને સારું પ્લેટફોર્મ મળે અને મહિલાઓ દ્વારા જ મહિલાઓને સામાજિક  સંરક્ષણની વિચારધારાનો લાભ  દરેક મહિલાઓને મળે તે હેતુથી આ કામગીરી શ્રી આનંદીબેન પટેલે શ્રી નરેન્દ્રભાઇ મોદી સમક્ષ રજૂ કરી હતી અને નરેન્દ્રભાઈએ મહિલાઓના ઉત્થાન માટેના આ વિચારને આવકારીને મહિલા આયોગ સાથે સાંકળીને “નારી અદાલત”ના રૂપમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલીકરણ કર્યો હતો.

નારી અદાલતની રચના વિશે વિસ્તૃત છણાંવટ કરતાં શ્રી ખ્યાતિબેન ભટ્ટે ઉમેર્યું હતું કે,  નારી અદાલત મુળત: 11 મહિલાઓ સભ્યોની બનેલી સમતા કમિટિ છે. આ સમતા કમિટિની 11 મહિલા સભ્યોની નિમણૂંક તાલુકા કો-ઓર્ડીનેટર કરે છે. જેમાં મહિલાઓની કોઠાસુઝ, કાયદાનું જ્ઞાન, સમાજમાં પ્રભુત્વ, સામાજિક કાર્યોમાં અગ્રેસરતા, જ્ઞાતિમાં મહત્વની ભુમિકા જેવા પાસાઓ જોઈને ગામ અને વિસ્તાર મુજબ 11 મહિલાઓની પસંદ કરવામાં આવે છે.

સમતા કમિટિ દ્વારા ફરિયાદ લઈને આવનાર કે કેસ નોંધવાનાર વ્યક્તિ પાસે ચોક્કસ ફોર્મ ભરાવવામાં આવે છે. ત્યારબાદ દર માસની 10 અને 25 તારીખે આ “સમતા કમિટી” દ્વારા ફરીયાદીને અને ત્યારબાદ સામેવાળા પક્ષને બોલાવી સાંભળવામાં આવે છે. સામાન્ય રીતે બંને પક્ષનો સહકાર મળે તો 3 મહિનામાં જ કેસ ઉકેલાય જાય છે. જો સામા પક્ષનો સહકાર ન મળે તો નારી અદાલતની બહેનો રૂબરૂ જઈને પક્ષને મળે છે અને છતાં ન માને તો સ્થાનિક પોલીસ વાળાનો સાથ પણ લે છે. ઉપરાંત કાયદાકીય પ્રક્રિયા માટે બાંહેધરી પત્ર લેવામાં આવે છે અને સમાધાન બાદ સમયાંતરે ફોલોઅપ લેવામાં આવે છે.

નારી અદાલતની કામગીરી સાથે જાગૃતિ અભિયાન ચલાવી મહિલાઓને રાજ્ય સરકારની મહિલાલક્ષી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે પણ માહિતીગાર કરવામાં આવે છે. જેમ કે 181 અભયમ, સુક્ધયા સમૃદ્ધિ યોજના, વિધવા પેન્શન સહાય, શૈક્ષણિક – આરોગ્યલક્ષી યોજના અને કાયદાકીય રક્ષણ જેવી બાબતો માટે વિવિધ સ્તરે અને જુદા જુદા સ્થળે સેમિનારોનું આયોજન કરવામાં આવે છે. મહિલાઓ સામાજિક અને આર્થિક રીતે પગભર બને તે માટે પણ માર્ગદર્શન પુરૂં પાડવામાં આવે છે તેમ રાજકોટ તાલુકા કો-ઓર્ડીનેટર નયનાબેન વાઘેલાએ જણાવ્યું હતું.

આમ ગુજરાત સરકાર નારી અદાલતની આગવી પહેલ દ્વારા નારી સશક્તિકરણ અને નારી સુરક્ષા માટે સિમા ચિન્હ રૂપ કામગીરી કરી સમગ્ર દેશ માટે રોલ મોડલ બની નવી રાહ દર્શાવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.