સવારે 7 વાગ્યાથી જ બુથો ઉપર મતદારોની કતારો લાગી, 550 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં થશે કેદ
નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. અલગ રાજ્યનો દરજ્જો, ભ્રષ્ટાચાર અને અન્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આજે વિધાનસભાની ચૂંટણીમાં મતદારો મતદાન કરી રહ્યા છે.
નાગાલેન્ડમાં, 13,00,000 થી વધુ મતદારો 60 વિધાનસભા બેઠકોમાંથી 59 પર 183 ઉમેદવારોના ચૂંટણી ભાવિનો નિર્ણય કરવા માટે તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય કાઝેટો કિનીમી ઝુનહેબોટો જિલ્લાના અકુલુટો મતવિસ્તારમાંથી બિનહરીફ જીત્યા છે. 2,291 મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે જે સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. મતદાન મથકોમાંથી, 196 મહિલા મતદાન કર્મચારીઓ દ્વારા અને 10 વિકલાંગ વ્યક્તિઓ દ્વારા સંચાલિત છે.
મેઘાલયની ચૂંટણીમાં કુલ 369 ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે. કુલ 3,419 મતદાન મથકો પર મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.જેમાંથી 640 મતદાન મથકો સંવેદનશીલ તરીકે, 323 મતદાન મથકોને અતિસંવેદનશીલ અને 84 મતદાન મથકોને ઉચ્ચ જોખમ તરીકે ઓળખવામાં આવ્યા છે.
નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો અહીં 59 બેઠકો માટે ચાર મહિલા અને 19 અપક્ષ સહિત 183 ઉમેદવારો મેદાનમાં છે.રાજ્યમાં 13 લાખથી વધુ મતદારો છે, જેમાં 6,47,523 પુરૂષ અને 6,49,876 મહિલા મતદારો છે.
મેઘાલયની વાત કરીએ તો, ભાજપે મેઘાલયમાં એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. 70 ટકા ખ્રિસ્તીઓનું પ્રભુત્વ ધરાવતા મેઘાલયમાં ભાજપ માટે કેટલું સરળ રહેશે તે ચૂંટણીના પરિણામો જ કહેશે. મેઘાલયમાં ભાજપ ઉપરાંત કોંગ્રેસ, એનસીપી, ટીએમસી સહિત 13 રાજકીય પક્ષો મેદાનમાં છે. 60 બેઠકો માટે 375 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 36 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે.