સુરતમાં તસ્કરો બેફામ બન્યા છે. વાહનોની ચોરી થવાની ફરિયાદ તો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. પરંતુ હવે લારીઓ પણ સુરક્ષિત નથી. સુરતના ઉધના વિસ્તારમાં એક હાથલારીની ચોરી થવાની ઘટના સામે આવી છે. બે ઈસમો રેકી કર્યા બાદ લારીની ચોરી કરતા નજરે ચઢ્યા હતા.
તસ્કરો બેફામ બન્યા, હાથ લારીને પણ નથી મુકતા
શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે. લોકોના ઘર, ઓફીસ તેમજ વાહનોની ચોરી થવાની ફરિયાદો સામે આવતી રહે છે પરંતુ હવે તસ્કરો તો લારીને પણ મુક્તા નથી. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા કાશી નગરમાં એક હાથ લારી ચોરી થવાની ઘટના સામે આવી છે. લારી માલિક દ્વારા સવારે લારી નહી મળતા ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં તપાસ કરી હતી. જે સામે આવ્યું તે જોઇને તે પણ ચોકી ઉઠ્યા હતા કારણ કે બે ઈસમો રેકી કર્યા બાદ લારીની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
લારીની ચોરીથી ચર્ચાનો વિષય બન્યો
લારી ચોરીની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે રાત્રીના બે વાગ્યાની આસપાસ બે ઈસમો ગલીમાં રેકી કરે છે.ત્યારબાદ લારી પાસે જઈને લારીને લઈને ત્યાંથી ફરાર થઇ જાય છે. આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે
તસ્કરોએ સ્પોર્ટ્સ સાયકલની પણ ચોરી કરી હતી
થોડા દિવસો અગાઉ આવી જ રીતે એક સ્પોર્ટ્સ સાયકલ ચોરીની ઘટના પણ બની હતી. જેમાં અજાણ્યો ઇસમ રેકી કર્યા બાદ સ્પોર્ટ્સ સાયકલની ચોરી કરી ફરાર થઇ ગયો હતો ત્યારે હવે ગાડી, મોપેડ અને બાઈક તો ઠીક પણ હવે હાથ લારી પણ સુરક્ષિત રહી નથી. ઉધનામાં થયેલી આ લારી ચોરીના સીસીટીવી ફૂટેજ શોશ્યલ મીડિયામાં પણ વાયરલ થયા છે