પેડક રોડ પર ઢોર પકડવા ગયેલા કર્મચારી પર પથ્થરમારો
શહેરમાં ગુનાખોરીનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે નાની બાબતોમાં પણ મારામારીના બનાવો ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગઇકાલે અવધ બંગલા પાસે કેટ્રેસના પૈસા બાબતે ચાર અજાણ્યા શખ્સોએ યુવાનને ઢોર માર માર્યો હતો. જ્યારે અન્ય બનાવમાં પેડક રોડ પર ઢોર પકડવા ગયેલા કર્મચારી પર ટોળાએ પથ્થર મારો કરતા ઘવાયેલા એક યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂની કલેક્ટર ઓફિસની પાછળ આવેલા નરસંગપરા વિસ્તારમાં રહેતા રોહિત વિનોદભાઇ સોલંકી નામના 20 વર્ષના યુવાનને અવધ બંગલા પાસે ચાર અજાણ્યા શખ્સોએ માર મારતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ઘટના અંગે જાણ થતા પોલીસનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. હોસ્પિટલના બિછાને રહેલા યુવાને પોલીસને જણાવ્યું હતું કે પોતે કેટ્રેસનું કામ કરતો હોય અને ગઇકાલે કેટ્રેસનું કામ કરતા છોકરાને કામે રખાવ્યા બાદ તેના પૈસા ન ચૂકવતાં તેની માંગણી કરતા ચાર શખ્સોએ ઢોર માર માર્યાનું જણાવ્યું હતું.
જ્યારે અન્ય બનાવમાં માંડા ડુંગર પાસે મફતીયાપરામાં રહેતા અને મહાનગર પાલિકામાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર ઢોર પકડ પાર્ટીમાં કામ કરતા જગદીશભાઇ હિંમતભાઇ વાઘેલા નામના 36 વર્ષના યુવાન ગઇકાલે પોતાના સ્ટાફ સાથે પેડક રોડ પર ઢોર પકડવા ગયા હતાં. તે દરમિયાન ટોળાએ પથ્થર મારો કરતા જગદીશ વાઘેલાને ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે બંને ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.