ક્યુઆર કોડ સ્કેન કરવાથી ડુપ્લીકેટ-ખોટી પહોંચની સમસ્યા નિવારી શકાશે અન્ય સરકારી સંસ્થાઓ રસીદની ખરાઈ સરળતાથી કરી શકશે

રાજકોટ શહેરના નગરજનો દ્વારા વાહનવેરો, મિલ્કતવેરો, પાણી દર, વ્યવસાયવેરો વગેરે ભરપાઈ કરવામાં આવેલ છે તે અંગે નગરજનો દ્વારા ચૂકવેલા નાણાં મળ્યે મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને નાણાં મળ્યા બદલની રસીદ આપવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને આપવામાં આવતી રસીદમાં ક્યુઆર કોડની ફેસીલીટી ઉપલબ્ધ કરવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપાતી તમામ રસીદો પર ક્યુઆર કોડ પ્રિન્ટ કરવાનું અતિ મહત્વનું પગલું લેવામાં આવેલ છે. ક્યુઆર કોડની મદદથી લોકો/અન્ય સરકારી એજન્સીઓ તેમને મળતી રસીદોની ખરાઈ કરી શકશે. દા.ત. હાલમાં જો કોઈ નાગરિક શહેરની હદમાં નવું વાહન ખરીદ કરે તો મહાનગરપાલિકા વાહન પર વાહન વેરો વસુલાત કરી તેની રસીદ આપવામાં આવે છે. હવે આ તમામ રસીદ પર ક્યુઆર કોડ પ્રિન્ટ કરવામાં આવશે. આર.ટી.ઓ. વિભાગના અધિકારી દ્વારા મોબાઈલ વડે ક્યુઆર કોડ સ્કેન કરી તેમની સમક્ષ રજુ કરવામાં આવતી રસીદની ખરાઈની ચકાસણી કરી શકશે.

આ ખરાઈ માટે લગત વ્યક્તિ/સંસ્થાએ તેમની સમક્ષ રજુ કરવામાં આવતી મહાનગરપાલિકાની પહોંચ પર પ્રિન્ટ કરવામાં આવેલ ક્યુઆર કોડ ને સ્માર્ટ ફોન વડે સ્કેન કરવાનો રહેશે. રસીદ પર પ્રિંટ કરેલ ક્યુઆર કોડને સ્કેન કરવાથી ઓટોમેટીક મહાનગરપાલિકાનાં સર્વર સાથે લિંક થશે અને રસીદની તમામ વિગતો જેવી કે રસીદ નંબર, તારીખ, નામ , રકમ તેમજ જે સેવા માટે રસીદ ઈસ્યુ કરવામાં આવેલ છે તે સેવાનું નામ વિગેરે વિગતો મોબાઈલ પર સીધી જ જોઈ શકાશે.

આમ ક્યુઆર કોડ સ્કેન કરવાથી ડુપ્લીકેટ/ખોટી પહોંચની સમસ્યા નિવારી શકાશે તેમજ અન્ય સરકારી સંસ્થાઓ રસીદની ખરાઈ સરળતાથી કરી શકશે.  આમ, વાહનવેરો, વ્યવસાય વેરો, મિલ્કત વેરો, આવસ યોજનાંનાં હપ્તા ભર્યા બદલ મળ્યાની પહોંચ, અન્ય પરચુરણ વસુલાત અંગેની પહોંચ આ પ્રકારે મહાનગરપાલિકાની તમામ રસીદોની વિગતને સ્માર્ટ ફોન વડે ખરાઈ કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.