રાજકોટ જિલ્લામાં 200 લાભાર્થીઓના ઘરે બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનો લક્ષ્યાંક પૂર્ણ
તાજેતરમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામન દ્વારા સંસદમાં રજૂ કરાયેલા બજેટમાં “ગોબર ધન યોજના” હેઠળ દેશમાં 500 નવા “વેસ્ટ-ટુ-વેલ્થ” પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે, જેનો લાભ ખેડૂતો અને પશુપાલકોને મળનાર છે. ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના પેયજળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા 30 એપ્રિલ, 2018ના રોજ ગોબર (ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રીસોર્સિસ) ધન યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. “ગોબર ધન યોજના” મુખ્ય ઉદ્દેશ ગામોમાંથી ઉકરડા પ્રથાનો સંપૂર્ણ નિકાલ કરવાનો તેમજ પશુઓના છાણ તથા પાકના અવશેષોનું બાયોગેસ અને જૈવિક ખાતરમાં રૂપાંતર કરી વાતાવરણને પ્રદુષણમુક્ત કરવાનો છે.
રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એસ.ઠુંમર એ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ યોજનાના બીજા તબક્કા અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોને ઓ.ડી.એફ. (ઓપન ડેફેકેશન ફ્રી-જાહેરમાં શૌચાલયમુકત) સ્ટેટસ તરફ અગ્રેસર કરવા માટે “ગોબર ધન યોજના” મહત્વની છે. રાજ્યભરમાં આ યોજના અંતર્ગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી પૂર્ણ કરવામાં રાજકોટ જિલ્લો અગ્રેસર છે. જિલ્લામાં કુલ 200થી વધુ લાભાર્થીઓના ઘરે બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા કો-ઓર્ડીનેટર મીનાક્ષીબેન કાચાએ જણાવ્યું હતું કે જિલ્લામાં “ગોબર ધન યોજના” અંતર્ગત કલસ્ટર મોડલ અન્વયે એક કલસ્ટરમાં બેથી ચાર પશુ ધન ધરાવતા 200 લાભાર્થીઓ/કુટુંબોનો સમાવેશ થાય છે. ઘર દીઠ 2 ક્યુ.મી. ક્ષમતા ધરાવતા વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવે છે. ગ્રામ વિકાસ વિભાગ દ્વારા “ગોબર ધન યોજના” માટે લાભાર્થીઓની તાલીમનું આયોજન પણ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે “ગોબર ધન યોજના” માધ્યમથી ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતાના સ્તરમાં વધારો થયો છે. રસોઈના બળતણ ખર્ચમાં બચત થાય છે. ખાસ કરીને ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન મળ્યું છે. બાયોગેસ થકી નવા ઉર્જા સ્રોતમાં તથા જૈવિક ખાતર થકી જૈવિક ખેતી કરીને ખેડુતો, પશુપાલકોની આવકમાં વધારો થયો છે. આમ, રાજ્ય સરકાર “ગોબર ધન યોજના” મારફતે ગ્રામજનોને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવા તથા ગામડાંઓનો સર્વાંગી વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છે.