ટાઉનશીપના એસોસિએશનના પ્રમુખ અને ઉપપ્રમુખ પૈસાનો હિસાબ આપતા નથી: 15 દિવસથી પાણીની મોટર બંધ
શહેરના વોર્ડ નં.11માં જીવરાજ પાર્કમાં 80 ફૂટ મેઇન રોડ પર આર્યલેન્ડ રેસિડેન્સીની બાજુમાં આવેલી લક્ષ્મણ ટાઉનશીપમાં પાણીનો પોકાર સર્જાયો છે. ટાઉનશીપના પ્રમુખ અને ઉપપ્રમુખ પૈસાનો કોઇ હિસાબ આપતા નથી. આ ઉપરાંત રોડ-રસ્તાની પણ વ્યાપક પરેશાની રહેવાસીઓ ભોગવી રહ્યાં છે. જેના વિરોધમાં આજે 60 થી વધુ લોકોનું ટોળું કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું હતું.
મ્યુનિ.કમિશનરને રજૂઆત કરી હતી. મનોજભાઇ ગૌસ્વામી નામના અરજદારની આગેવાનીમાં લક્ષ્મણ ટાઉનશિપના રહેવાસીઓએ મ્યુનિ.કમિશનરની રજૂઆતમાં જણાવ્યું હતું કે ત્રણ વર્ષથી એશોસિએશનના પ્રમુખ રાજેશભાઇ ચાવડા અને ઉપપ્રમુખ જુવાનસિંહ પરમાર પાણી કે સફાઇ પ્રશ્ર્ને કોઇ કામગીરી કરતા નથી. આટલું જ નહિં તેઓએ ત્રણ વર્ષથી સોસાયટીના ખર્ચનો કોઇ હિસાબ પણ આપ્યો નથી. મેઇન્ટેનન્સ પેટે ફ્લેટ દીઠ રૂ.30,000 ઉઘરાવવામાં આવ્યા હતાં. જ્યારે વધારાના 1100 રૂપિયા સીસીટીવી કેમેરા લગાવવા માટે ઉઘરાવ્યા છે. સમયાંતરે ફ્લેટ દીઠ વધારાના 200 રૂપિયા લેવામાં આવતા હતાં.
છતાં અત્યાર સુધી કોઇ આવક-જાવકનો હિસાબ આપ્યો નથી. છેલ્લા બે માસથી બોરની મોટર બંધ પડી છે. છતાં તેને બહાર કાઢી રિપેર કરાવવાનું નામ લેતાં નથી. પાણીના કારણે ટાઉનશિપના રહેવાસીઓ હાલાકી ભોગવી રહ્યાં છે. રોજ રૂપિયા 15 હજારનું પાણી વેંચાતુ લેવું પડે છે. વારંવાર કહેવા છતાં પ્રમુખ અને ઉપપ્રમુખ કશી કામગીરી કરતા નથી. ઉલ્ટાનું ધાક-ધમકી આપી રહ્યાં છે. ટાઉનશિપ માટે પાંચ નળ કનેક્શન લીધા છે પરંતુ તેનું 12 લાખ રૂપિયાનું બીલ હજુ સુધી ભરપાઇ કર્યું નથી. સોસાયટી પાસે પર્યાપ્ત બેલેન્સ હોવા છતાં બિલ ભરતાં નથી. જેના કારણે આવાસ યોજનાના રહેવાસીઓએ વ્યાજ ભરવું પડે છે. આ તમામ સમસ્યામાંથી મુક્તિ અપાવવા રજૂઆત કરી છે.