ખોડીયાર પાર્કમાં બાળક સાચવવા મામલે પતિએ ઠપકો આપતા પત્નીનો આપઘાતનો પ્રયાસ

શહેરમાં જુદા જુદા બે સ્થળોએ આપઘાતના પ્રયાસના બનાવો સામે આવ્યા છે. જેમાં ગોંડલ રોડ ઉપર રસુલપરામાં ભાભી સાથે ઝઘડો થતા નણંદે અને ખોડિયાર પાર્કમાં પતિ સાથે ઝઘડો થતા પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બંને પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ રોડ ઉપર આવેલા રસુલપરામાં રહેતી અનિષાબેન એઝાઝભાઈ ખેતાવત નામની 26 વર્ષની પરિણીતાએ ફિનાઇલ ગટગટાવતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઘટના અંગે જાણ થતાં પોલીસ સ્ટાફ પણ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને તપાસ હાથધરી હતી.

જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ અનિષા બેનની બાજુમાં જ રહેતી તેની ભાભી સોહાનાબેન સાથે કોઈ નજીવા પ્રશ્ને ઝઘડો થતા તેણીએ માઠું લાગી આવતા ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બીજા બનાવમાં મોરબી રોડ ઉપર આવેલા ખોડિયાર પાર્કમાં રહેતી લક્ષ્મીબેન અશોકભાઈ ખસીયા નામની 24 વર્ષની પરિણીતાને દોઢ વર્ષની પુત્રીને રાખવા બાબતે પતિ અશોકભાઈ ખસીયાએ ઠપકો આપતા બંને વચ્ચે રકઝક થઈ હતી. પતિ સાથે ઝઘડો થતા તેણીને લાગી આવતા તાવના વધુ પડતા ટીકડા ખાઈ લીધા હતા. બંને પરિણીતાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.