સુરેન્દ્રનગર: જિલ્લાના વઢવાણ તાલુકાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂતે સુરેન્દ્રનગર જિલ્લામાં દ્રાક્ષની ખેતી કરી જિલ્લાના તેમજ સમગ્ર રાજ્યના ખેડૂતોને નવી રાહ ચીંધી છે.
દ્રાક્ષનું વાવેતર સુરેન્દ્રનગર જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમવાર સફળ વાવેતર છે. પરંપરાગત કપાસ સહિતના પાકના બદલે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળી રહ્યાં છે.
સુરેન્દ્રનગર જિલ્લો અગાઉ આવળ,બાવળ અને બોરડીના પ્રદેશ તરીકે ઓળખાતો હતો. એટલે કે જિલ્લામાં મોટા ભાગે પરંપરાગત કપાસ, જીરૂ, ઘઉં જેવા પાકનુ જ વાવેતર કરવામાં આવતુ હતું પરંતુ છેલ્લા થોડા સમયથી ખેડૂતો પરંપરાગત વાવેતરને છોડીને બાગાયતી ખેતી તરફ વળ્યા છે. ત્યારે વડોદ ગામના શાંતિલાલ પટેલે પાંચ વિઘા જમીનમાં દ્રાક્ષનું સફળ વાવેતર કર્યું છે.
દ્રાક્ષ સામાન્ય રીતે મહારાષ્ટ્રના નાસિક, ધુલીયા જેવા સ્થળોમાં વધુ થાય છે.
ત્યારે શાંતિલાલ દાડમના વેચાણ માટે પાંચેક વર્ષ અગાઉ નાસિક ગયા હતા તે સમયે દ્રાક્ષના માંડવા જોઇ દ્રાક્ષનું વાવેતર કરવાનો વિચાર કર્યો હતો. જેમાં પાંચ વિઘા જમીનમાં કુલ 1800 થી વધુ રોપાનુ વાવેતર કર્યું છે.જેમાં વાવેતર, લોખંડના સ્ટ્રક્ચર સહિતનો કુલ રૂપિયા 13 લાખથી વધુનો ખર્ચ કર્યો હતો.
દ્રાક્ષના માંડવામાં ત્રણ વર્ષ બાદ ઉતારો આવવાની શરૂઆત થાય છે. જેમાં આ વર્ષે દસથી બાર ટન જેટલો દ્રાક્ષનો ઉતારો આવે તેવો અંદાજ છે. અને 80 થી 100 રૂપિયામાં એક કિલોના ભાવ મળવાની આશા છે.
સજીવ ખેતી થકી ઉત્પાદન કરેલી આ દ્રાક્ષના સારા ભાવ મળે તો વર્ષે અંદાજે 12 લાખથી વધુની આવક થવાની શક્યતા છે. દ્રાક્ષની ખેતી થોડી ખર્ચાળ અને મહેનત માંગી લે છે પરંતુ ખેડૂતોને લાંબા ગાળે ફાયદો થાય છે.
કારણ કે દ્રાક્ષનું એકવાર વાવેતર કર્યા બાદ 20 વર્ષ સુધી દ્રાક્ષનો ઉતારો આવે છે જેથી લાંબા ગાળે ખેડૂતોને ફાયદો થાય છે. શાંતિલાલે સુરેન્દ્રનગર જિલ્લામાં દ્રાક્ષનું સફળ વાવેતર કરી જિલ્લાના તમામ ખેડૂતો માટે ઉદાહરણરૂપ ખેતી કરી નવી રાહ ચીંધી છે.