ચીનને અર્થતંત્રને વેગ આપવા માટે ભારત સાથે સારા સંબંધોની તાતી જરૂર, આ સ્થિતિ વચ્ચે બન્ને દેશોએ એલએસી વિવાદ મુદ્દે 26મી બેઠક યોજી : હવે સૈન્ય વાટાઘાટોનો 18મો રાઉન્ડ વહેલી તકે યોજવા પર સહમતિ થઈ
વર્ષ 2023માં વિકસિત દેશો ઉપર મંદીના વાદળો છવાયા છે. તેવામાં ભારત અને ચીનનું અર્થતંત્ર વૈશ્વિક અર્થતંત્રમાં અડધા હિસ્સાનું યોગદાન આપવાના છે. એટલા માટે ચીનને ભારતની જરૂર પણ પડવાની છે. આવી સ્થિતિમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ માટે સંધિ થાય તે માટે પ્રયાસો થઇ રહ્યા છે.
બેઇજિંગમાં બુધવારે ભારત અને ચીન વચ્ચે એલએસીની વર્તમાન સ્થિતિને લઈને બેઠક યોજાઈ હતી. આ વાતચીત એલએસીના બાકીના વિવાદિત ભાગોમાંથી સૈનિકોને પાછા ખેંચવા અંગે હતી. એલએસીને લઈને બંને દેશો વચ્ચે આ 26મી બેઠક હતી.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચે હાલના દ્વિપક્ષીય કરારો અને પ્રોટોકોલ મુજબ ઉદ્દેશ્યોને હાંસલ કરવા માટે સૈન્ય વાટાઘાટોનો 18મો રાઉન્ડ વહેલામાં વહેલી તકે યોજવા પર સહમતિ થઈ હતી.
મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષોએ એલએસી સાથેની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી અને બાકીના વિવાદિત વિસ્તારોમાંથી સૈનિકોને પાછા ખેંચવાના પ્રસ્તાવ પર વ્યાપક ચર્ચા કરી હતી. આ ક્ષેત્રમાં શાંતિ અને સંવાદિતા પુનઃસ્થાપિત કરવામાં મદદ કરશે.
વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ એ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું. ચીની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ચીનના વિદેશ મંત્રાલયના સીમા અને દરિયાઈ બાબતોના વિભાગના મહાનિર્દેશક દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠક બાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષોએ સળગતા મુદ્દાઓને ઉકેલવા માટે વ્યાપક વાટાઘાટો કરી હતી.
ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે સરહદી વિસ્તારોમાં શાંતિ સ્થાપિત ન થાય ત્યાં સુધી ચીન સાથે સંબંધો સામાન્ય નહીં થઈ શકે. 5 મે, 2020 ના રોજ, પેંગોંગ તળાવ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ પૂર્વ લદ્દાખ સરહદ પર મડાગાંઠની સ્થિતિ સર્જાઈ હતી.વર્ષ 2019માં એલએસીને લઈને યોજાયેલી બેઠક બાદ આ પ્રથમ બેઠક છે. હકીકતમાં, 2019 અને 2022 વચ્ચે, કોરોનાને કારણે, તમામ મીટિંગ્સ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજવામાં આવી હતી.