પ્રથમ રાઉન્ડમાં રાજકોટમાં ઇમ્પેક્ટની 6,700 અરજીઓ આવી
રાજ્યમાં અન્ન અધિકૃત બાંધકામોને નિયમિત કરતી ઇમ્પેક્ટ ફી યોજનાની મુદ્તમાં ચાર મહિનાનો વધારો કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. આવતીકાલથી શરૂ થતાં બજેટ સત્રમાં આ અંગે સુધારા વિધેયક પણ પસાર કરવામાં આવશે. દરમિયાન સરકારનું જાહેરનામું આવતાની સાથે જ કોર્પોરેશન દ્વારા ફરી ઇમ્પેક્ટ ફીની અરજીઓ સ્વિકારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે ગત 16મી ફેબ્રુઆરીના રોજ ઇમ્પેક્ટ ફીની મુદ્ત પૂર્ણ થઇ જવા પામી છે. ચાર મહિનાના સમયગાળા દરમિયાન 6,700 જેટલી અરજીઓ મળી હતી. જેમાં આશરે 400 જેટલી અરજીઓ મંજૂર કરી દેવામાં આવી છે. હાલ તમામ અરજીઓનો નિકાલ કરવા માટેની કામગીરી ચાલી રહી છે.
અરજદારોને અલગ-અલગ ક્વેરી દૂર કરવા તાકિદ કરવામાં આવી રહી છે. દરમિયાન ગઇકાલે રાજ્ય સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે કે ઇમ્પેક્ટ ફીની મુદ્તમાં ચાર મહિનાનો વધારો કરવામાં આવશે. આ માટે વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન સુધારા વિધેયક પસાર કરવામાં આવે તેવી સંભાવના છે. સરકારમાંથી ઇમ્પેક્ટ ફીની મુદ્તમાં વધારો કરવામાં આવ્યો છે. તેવું નોટિફિકેશન મળતાની સાથે જ કોર્પોરેશન દ્વારા ફરી એક વખત ઓફલાઇન અને ઓનલાઇન ઇમ્પેક્ટની અરજીઓ સ્વિકારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર મહિનામાં માત્ર 6,700 અરજીઓ મળી છે. માત્ર રાજકોટ જ નહિં પરંતુ ગુજરાતભરમાં ઇમ્પેક્ટ ફીની યોજનાને ધાર્યો પ્રતિસાદ મળ્યો નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્ય સરકાર દ્વારા વટહુકમ લાવી અન્ન અધિકૃત બાંધકામોને નિયમિત કરતા ઇમ્પેક્ટ ફીની યોજના લાવવામાં આવી હતી. જેની મુદ્ત ગત 16મી ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઇ ગઇ છે.
બેઝરમેન્ટ ચાર્જ, પાર્કિંગ ચાર્જ સહિતના કડક નિયમોના કારણે ધાર્યો પ્રતિસાદ ન મળતા રાજ્ય સરકારે 120 દિવસ માટે આ યોજનાને લંબાવાનો નિર્ણય કર્યો છે. વિધાનસભામાં સુધારા વિધેયક પસાર કરાયા બાદ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરાશે અને ત્યારબાદ ફરી ઇમ્પેક્ટ ફીની અરજીઓ સ્વિકારવાની કામગીરીઓ શરૂ કરાશે.