શારજાહથી સુરત ફલાઇટમાં આવેલો મુસાફર પકડાઇ જવાની બીકે મોબાઇલના ફિલપ કવરમાં સોનાના બિસ્કીટ મૂકી ભાગી ગયો: કસ્ટમ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ
સુરત એરપોર્ટ પર આજે સવારે એક વિચિત્ર ઘટના બની હતી. જેમાં એક મુસાફર 67 લાખની કિંમતના સોનાના 10 બિસ્કીટ મોબાઇલના ફિલપ કવરમાં લગેજ ટ્રોલીમાં મૂકી નાસી છુટયો હતો. કસ્ટમ્સ વિભાગે સોનાના બિસ્કીટ કબ્જે કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. પોલીસ પકડી લેશે તેવા ડરના કારણે મુસાફર સોનાના બિસ્કીટ રેઢા મૂકીને પલાયન થઇ ગયો હોવાની શંકા સેવાય રહી છે. શારજાહથી સુરત આવેલી ફલાઇટમાં આવેલો મુસાફર 67 લાખનું સોનું રેઢુ મૂકી નાસી ગયો હતો.
આજે સવારે સુરત એરપોર્ટ પર લગેજ ટ્રોલીમાંથી સોનાના 10 બિસ્કીટ મળી આવ્યા હતા. 67 લાખની કિંમતના સોનાના બિસ્કીટ રેઢા મળી આવતા એરપોર્ટ પર ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ અંગે તાત્કાલીક ધોરણે એરપોર્ટ ઓથોરીટી દ્વારા કસ્ટમ્સ વિભાગને જાણ કરતાં કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા સોનાના બિસ્કીટનો કબ્જો લઇ લેવામાં આવ્યો હતો. શારજાહથી સુરતની ફલાઇટમાં કોઇ મુસાફર સોનાના બીસ્કીટ લઇને સુરતમાં ડીલેવરી દેવા આવ્યો હોય પરંતુ ચેકીંગ દરમિયાન પોલીસ વિભાગ પકડી લેશે તેવા ડરના માર્યા લેગેજ ટ્રોલીમાં સોનાના બિસ્કીટ મૂકીને ભાગી ગયો હોવાની શંકાના આધારે કસ્ટમ્સ તથા પોલીસ વિભાગ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.
સી.સી. ટી.વી. કેમેરાની મદદના આધારે હાલ સોનાના બિસ્કીટ મૂકી જનારા વ્યકિતને શોધવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સોના ભાવમાં વધારો થવાના કારણે હવે ડયુટી ભરવાથી બચવા લોકો નીત નવા નુસકા અપનાવી રહ્યા છે. સુરત એરપોર્ટ પર લગેજ ટ્રોલીમાંથી પકડાયેલું 67 લાખનું સોનું કયાંથી આવ્યું અને કોણ લાવ્યું તેની તપાસ ચાલી રહી છે. સીસીટીવી કેમેરાની મદદથી આરોપીને ઝડપી લેવામાં આવશે. શારજાહથી સુરત આવેલી ફલાઇટમાં જેટલા મુસાફરો મુસાફરી કરતા હતા. તેના નામ, સરનામા અને મોબાઇલ નંબર લઇ કસ્ટમ્સ વિભાગ અને પોલીસ દ્વારા તપાસ શરુ કરી દેવામાં આવી છે.