ભાજપના 156 પૈકી 70 ટકાથી વધુ બિન અનુભવી ધારાસભ્યોનું પ્રથમ બજેટ હોય સત્રની કામગીરીથી વાકેફ કરાશે
ગુજરાત વિધાનસભામાં આવતીકાલથી 35 દિવસીય બજેટ સત્રનો આરંભ થઈ રહ્યો છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આગામી શુક્રવારના રોજ અંદાજ પત્ર રજૂ કરશે. 15મી વિધાનસભામાં ભાજપના 70 ટકાથી વધુ ધારાસભ્યો નવા છે બજેટ સત્ર સહિતની ગૃહની કામગીરીથી તેઓ સંપૂર્ણ પણે બિન અનુભવી છે તેઓ બજેટ સત્ર દરમિયાન કોઈ એવો મુદો ઉભો ન કરે જેનાથી સરકાર અને પક્ષને મુસીબતનો સામનો કરવો પડે તે માટે આજે સાંજે વિધાનસભાના ચોથા માળે આવેલા શાસક પક્ષના કાર્યાલય ખાતે સાંજે 6 કલાકે ભાજપના ધારાસભ્યોની એક બેઠક યોજાશે.આવતીકાલથી બજેટ સત્રનો આરંભ થઈ રહ્યો હોય આજે બપોરે સુધીમાં ભાજપના તમામ ધારાસભ્યોને બપોર સુધીમાં ગાંધીનગર ખાતે પહોચી જવા તાકીદ કરી દેવામાં આવી છે.
છેલ્લા એકાદ સપ્તાહથી ભાજપના ધારાસભ્યો જ વિપક્ષની ભૂમીકામાં આવી ગયા છે. અને સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે. કેતન ઈમાનદાર, કુમાર કિશોર કાનાણી અને હાર્દિક પટેલે સરકાર સામે બાયો ચઢાવી હોય તેવું લાગી રહ્યું છે. ધારાસભ્યો શિસ્તના પાઠ ભણાવવા અને લીમીટમાં રહે માટે આજે સાંજની મિટીંગમાં ઈશારો કરી દેવામાં આવશે. ડિસેમ્બર માસમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની રેકોર્ડબ્રેક જીત થઈ છે. 156 બેઠકો સાથે ભાજપ સતત સાતમી વખત ગુજરાતમાં સતારૂઢ થયું છે.
156 ધારાસભ્યો પૈકી 70 ટકાથી વધુ ધારાસભ્યો વિધાનસભા ગૃહની કામગીરીથી અજાણ છે તેઓ બજેટ સત્ર દરમિયાન એવા કોઈ પ્રશ્ર્નો ઉભા ન કરે કે જેનાથી સરકાર સામે મૂસિબત ઉભી થાય તે માટે ભાજપના તમામ 156 ધારાસભ્યોની આજે સાંજે 6 કલાકે વિધાનસભાના ચોથા માળે આવેલા શાસક પક્ષના કાર્યાલય ખાતે એક બેઠક યોજાશે જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહેશે. સંગઠન અને સરકાર દ્વારા ભાજપના ધારાસભ્યોને બજેટ સત્ર અને ગૃહની કામગીરી અંગે વાકેફ કરવામાં આવશે.