અંદાજપત્ર ઉપરાંત અલગ-અલગ વિધેયક પર મંત્રી મંડળની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરાય: વિપક્ષના આક્રમણને ખાળવા સરકાર સજ્જ
ગુજરાત વિધાનસભામાં આવતીકાલથી 35 દિવસ સુધી ચાલનારા બજેટ સત્રનો આરંભ થવાનો છે. નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા શુક્રવારે વર્ષ-2023-2024નું અંદાજપત્ર રજૂ કરવામાં આવનાર છે. દરમિયાન આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય સરકારના મંત્રી મંડળની એક બેઠક મળી હતી. જેમાં બજેટ અને સત્ર દરમિયાન રજૂ થનારા વિવિધ વિધેયક પર ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને દર બૂધવારે રાજ્ય સરકારના મંત્રી મંડળના સભ્યોની એક બેઠક મળતી હોય છે. જેમાં રાજ્યની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચર્ચાઓ કરવામાં આવતી હોય છે. આજે સવારે સચિવાલય ખાતે મળેલી મંત્રી મંડળની બેઠકમાં આવતીકાલથી વિધાનસભામાં શરૂ થતા નવી સરકારના બીજી અને 35 દિવસના લાંબા સત્ર અંગે ચર્ચાઓ કરાય હતી. નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા બજેટ રજૂ કરવામાં આવનાર છે. બજેટ સત્ર દરમિયાન અલગ-અલગ ત્રણથી ચાર વિધેયક પણ પસાર કરવામાં આવશે. જે અંગે પણ કેબિનેટમાં ચર્ચાઓ થશે. ઇમ્પેક્ટ ફીમાં સુધારા વિધેયક, પેપરલીક અંગે કાયદો બનાવવા વિધેયક પસાર થશે.
આવતા મહિને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોય અને જી-20ની સમિટની બેઠક યોજાવાની હોય તેની તૈયારીઓ અંગે પણ ચર્ચા થઇ હતી.
આવતીકાલથી બજેટ સત્રનો આરંભ થઇ રહ્યો હોય હવે એકાદ મહિના સુધી કેબિનેટની બેઠક મળે તેવી શક્યતા નહિવત છે. જો કે કોઇ નિર્ણય લેવાની તાતી જરૂરિયાત ઉભી થાય તો કેબિનેટની બેઠક મળી શકે છે.