લોહાણા સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉમટી પડી કલેકટર તંત્રને આપ્યું આવેદન: સર્વોચ્ચ અદાલતનાં લલીતાકુમારીના કેસમાં પ્રતિપાદીત કરેલા સિધ્ધાંતો મુજબ તાકીદે એફઆઈઆર નોંધવાની માંગ
વેરાવળના લોહાણા તબીબ ડો. અતુલ ચગના રહસ્યમય આત્મહત્યા મામલે પોલીસની ઢીલી નીતિ હોવાના આક્ષેપ સાથે રાજકોટ લોહાણા સમાજે રોષભેર કલેકટર તંત્રને આવેદન પાઠવ્યું હતુ. અને સર્વોચ્ચ અદાલતના લલીતાકુમારીના કેસમાં પ્રતિપાદીત કરેલા સિધ્ધાંતો મુજબ તાત્કાલીક એફઆઈઆર નોંધવાની માંગ ઉઠાવી છે.
આવેદનમાં જણાવાયું હતુ કે, તાજેતરમાં વેરાવળના માનવતાવાદી લોહાણા તબીબ ડો. અતુલભાઈ ચગએ રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરવાની ફરજ પડેલ છે. જે સમગ્ર લોહાણા સમાજ માટે અત્યંત દુ:ખદ અને ગંભીર બાબત છે.
સ્વ. ડો. અતુલભાઈ ચગએ આત્મહત્યા કરી એ દરમિયાન પોલીસને તેઓની એક ચીઠ્ી તપાસના કામે મળી આવેલ છે જેમાં ટુંકમાં તેઓએ આત્મહત્યા માટે જવાબદાર વ્યક્તિઓના નામ જાહેર કરેલ છે. પરંતુ આજદિન સુધી વેરાવળ પોલીસ ધ્વારા એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ નથી, જે અત્યંત શંકા ઉપજાવનારી વર્તણુંક છે.
કોઈપણ વ્યકિતને આત્મહત્યાનું દુષપ્રેરણ આપવુંએ આઈપીસી ની કલમ 506ની જોગવાઈઓ મુજબ એકદમ ગંભીર પ્રકારનો ગુનો છે તેમજ આવા પ્રકારનો ગુનોએ કોગ્નીઝેબલ ઓફન્સ છે. નામદાર સર્વોચ્ચ અદાલતે લલીતાકુમારી અને યુપી સરકાર સામેના ચુકાદામાં પ્રતિપાદીત કરેલ સિધ્ધાંત મુજબ જયારે કોઈપણ કોગ્નીઝેબલ ઓફન્સની માહિતી મળે ત્યારે પોલીસે તાત્કાલીક વિનાવિલંબે સીઆરપીસીની કલમ 154 મુજબ તાત્કાલીક એફઆઈઆર નોંધવી જોઈએ. પરંતુ આજદિન સુધી વેરાવળ પોલીસે ડો. અતુલભાઈ ચગના કિસ્સામાં એફઆઈઆર નોંધેલ નથી જેથી સમગ્ર લોહાણા સમાજ અન્યાયની લાગણી અનુભવી રહયુ છે અને સાથોસાથ કોઈ અગમ્ય કારણોસર વેરાવળ પોલીસ પણ નામદાર સર્વોચ્ચ અદાલતના સદરહુ ચુકાદામાં પ્રતિપાદિત કરેલ સિધ્ધાંતનો અનાદર પણ થઈ રહયો છે.
આમ ઉપરોકત વિગતે ગુજરાત સરકારના હોમ ડિપાર્ટમેન્ટને આ સંદર્ભે જાણ કરી વેરાવળ પોલીસ તાત્કાલીક ડો. અતુલભાઈ ચગના કિસ્સામાં એફઆઈઆર તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવા અમારી માંગણી છે.